યુરોપિયન યુનિયન દ્વારા સમર્થિત જર્મન રસી ‘ક્યોરવેક’ નિરાશાજનક ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન માત્ર 47 ટકા જેટલી જ અસરકારક હોવાનું બહાર આવતાં ઇયુ બ્લૉકના રસીકરણના પ્રયત્નોને આંચકો લાગ્યો છે. રસીકરણની રેસમાં યુરોપની સૌથી તેજસ્વી આશાઓમાંથી એક આ રસી હતી. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા નક્કી કરાયેલા થ્રેશોલ્ડખી પણ નીચેનું પરિણામ ચોંકાવનારૂ છે.
ભારતમાં પ્રથમ નોંધાયેલા ડેલ્ટા વેરિયન્ટ જેવા કોરોનાવાયરસના વધુ આક્રમક સ્વરૂપો સામે તેની અસરકારકતા 47 ટકા કરતાં પણ થોડી ઓછી હોઇ શકે છે. ગયા વર્ષે ઇયુએ ક્યોરવેકની સફળતા પર આધાર રાખીને 405 મિલિયન ડોઝ સુધીનો પ્રારંભિક સોદો કર્યો હતો.
જર્મનીએ પેઢીના 23 ટકા હિસ્સા માટે 300 મિલિયન યુરો ખર્ચ કર્યો હતો. તેણે ઇયુ દ્વારા મળનારા 42 મિલિયન ડોઝ ઉપરાંત પોતાના વપરાશ માટે વધારાના 20 મિલિયન ડોઝ મેળવવા સોદો કર્યો હતો. બ્રિટને 50 મિલિયન ક્યોરવેક ડોઝ મંગાવ્યા હતા. આ બધી ખરીદી, મેડિકલ રેગ્યુલેટર અધિકૃત કરે તે શરતે હતી. આ નિષ્ફળતાના કારણે કંપનીના શેરના ભાવ રાતોરાત અડધા થઈ ગયા હતા.
ક્યોરવેકના ચીફ એક્ઝિક્યુટિવ, ફ્રાન્ઝ-વર્નર હાસે જણાવ્યું હતું કે ‘’આ રસીએ યુવાનોમાં સારી કામગીરી બજાવી હતી અને પેઢી હજી મંજૂરી માટે અરજી કરશે.’’