ઉરુગ્ગેના ઝોનઅમેરિકામાં ટીસીએસના હેડક્વાર્ટરમાં મૂકવામાં આવેલી ટાટા ગ્રૂપના સ્થાપક જમસેતજી ટાટાની અર્ધપ્રતિમા (Photo by PANTA ASTIAZARAN/AFP via Getty Images)

ભારતમાં ઉદ્યોગોના ભિષ્મ પિતામહ ગણાતા જમસેતજી ટાટા છેલ્લા 100 વર્ષમાં વિશ્વમાંના સૌથી મોટા દાનવીર રહ્યા છે અને તેમણે કુલ 102 બિલિયન અમેરિકન ડોલર્સ જેટલી જંગી રકમની સખાવત કરી હોવાનું હુરૂન રીપોર્ટ અને એડેલગિવ ફાઉન્ડેશને તૈયાર કરેલી યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનિય બાબત એ છે કે બિલ ગેટ્સ, વોરેન બફેટ, જ્યોર્જ સોરોસ અને જોન રોકફેલર જેવા મોટા નામોની દાનની રકમ જમસેતજી ટાટા કરતાં ઓછી રહી છે.

હુરૂનના ચેરમેન અને મુખ્ય રીસર્ચર રૂપર્ટ હૂગવેર્ફના જણાવ્યા મુજબ, છેલ્લી એક સદીમાં અમેરિકન અને યુરોપિયન દાનવીરોનું સખાવતની વિચારધારામાં વર્ચસ્વ રહ્યું છે, પણ વિશ્વના સૌથી મોટા દાનવીર તો આ ભારતીય નિવડ્યા છે.

આજે સોલ્ટથી સોફટવેર સુધીના ધંધાકિય ક્ષેત્રમાં ઉપસ્થિતિ ધરાવતા ટાટા ગ્રુપના સંસ્થાપકે ગ્રુપના સાહસોની માલિકીનો 66 ટકા હિસ્સો સખાવતી ટ્રસ્ટ્સને આપેલો છે અને તેમના ડોનેશન્સ શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રમાં વિશેષ રહે છે, જેના પગલે દાનવીરોની યાદીમાં ટાટા ગ્રુપ ટોચના સ્થાને બિરાજમાન છે. વિશ્વના ટોચના 50 દાનવીરોમાં એક વધુ ભારતીય – વિપ્રોના અઝિમ પ્રેમજી 12 ક્રમે આવે છે.

બીજા ક્રમે રહેલા બિલ ગેટ્સ અને તાજેતરમાં જ તેનાથી અલગ થયેલી તેની પત્ની મેલિન્ડાએ 74.6 બિલિયન ડોલર્સની સખાવત કરી છે, તો ત્રીજા ક્રમે આવતા વોરેન બફેટે 37.4 બિલિયન, ચોથા ક્રમે રહેલા વોરેન બફેટે 37.4 બિલિયન અને પાંચમા ક્રમે રહેલા જોન ડી. રોકફેલરે 26.8 બિલિયન અમેરિકન ડોલર્સની સખાવતો કરી છે.

વિપ્રોના અઝિમ પ્રેમજીએ પોતાની લગભગ આખી સંપત્તિ – 22 બિલિયન અમેરિકન ડોલર્સ સખાવતમાં આપી દીધી હોવાનું યાદીમાં જણાવાયું છે. આલ્ફ્રેડ નોબેલ જેવા કેટલાક નામો આશ્ચર્યજનક રીતે ટોચના 50ની યાદીમાં નથી. આ યાદીમાં 38 અમેરિકન્સ, યુકેના પાંચ અને ચીનના ત્રણનો સમાવેશ થાય છે. આ 50માંથી અત્યારે ફક્ત 13 હયાત છે, બાકીના 37 સ્વર્ગસ્થ છે. ટોચના 50 દાનવીરોએ એક સદીમાં કરેલી કુલ સખાવતની રકમ 832 બિલિયન અમેરિકન ડોલર્સની થાય છે.

હૂગવેર્ફે ટીપ્પણી કરતાં કહ્યું હતું કે, આજના બિલિયોનેર્સનું સખાવતનું પ્રમાણ અગાઉ કરતાં ઓછું છે, તેઓ જેટલી ઝડપે કમાણી કરે છે તેના કરતાં તેમની સખાવતની ઝડપ અને પ્રમાણ ધીમા છે.