ભારત અને ન્યૂઝીલેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતીય ટીમ બીજા દાવમાં 170 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવની સરસાઈના આધારે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જીતવા માટે 139 રનનો લક્ષ્યાંક આવ્યો છે. બીજા દાવમાં પણ ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને કોઈ બેટ્સમેન અડધી સદી નોંધાવી શક્યો ન હતો. મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યું હોવાના કારણે સોમવારે રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભારતે પ્રથમ દાવમાં 217 રન નોંધાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 249 રન નોંધાવ્યા હતા. આમ ન્યૂઝીલેન્ડે 32 રનની સરસાઈ મેળવી હતી. ભારતે રિઝર્વ ડે એટલે કે છઠ્ઠા દિવસે 2 વિકેટે 64 રનના સ્કોરથી પોતાનો બીજો દાવ આગળ ધપાવ્યો હતો. વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા રમતમાં હતા.
ભારતને પ્રથમ સત્રની શરૂઆતમાં જ બે મોટા ઝટકા લાગ્યા હતા. જેમાં કાયલે જેમિસને પોતાની ઉપરા-ઉપરી બે ઓવરમાં કોહલી અને પૂજારાને પેવેલિયન ભેગા કરીને ભારતને બેકફૂટ પર મોકલી દીધું હતું. કોહલીએ 13 અને પૂજારાએ 15 રનની ઈનિંગ્સ રમી હતી. ત્યારબાદ અજિંક્ય રહાણે પણ 15 રન નોંધાવીને આઉટ થતાં ભારત મુશ્કેલીમાં મૂકાઈ ગયું હતું.
156 રનના સ્કોર પર પંતના રૂપમાં ભારતની સાતમી વિકેટ પડી હતી અને 170 રનના સ્કોરે ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. રવિચંદ્રન અશ્વિને સાત, મોહમ્મદ શમીએ 13 રન નોંધાવ્યા હતા જ્યારે જસપ્રિત બુમરાહ ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો. ઈશાન્ત શર્મા એક રને અણનમ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ માટે ટિમ સાઉધીએ ચાર, ટ્રેન્ટ બોલ્ટે ત્રણ, જેમિસને બે તથા નિલ વેગનરે એક વિકેટ ઝડપી હતી.