રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર અને રિલાયન્સ ન્યૂ સોલર એનર્જીના ડિરેક્ટર તરીકે નિમણુક કરવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 24 જૂને વાર્ષિક સભામાં ગ્રીન એનર્જી માટેની કંપનીની મેગા યોજનાની જાહેરાત કરી હતી. આ પહેલા બે એનર્જી કંપનીને સ્થાપના કરવામાં આવી હતી.
26 વર્ષીય અનંતને ફેબ્રુઆરીમાં રિલાયન્સ ઓ2સી બિઝનેસના ડિરેક્ટર બનાવાયા હતા. આ કંપની સાઉદી અરેબિયાની અગ્રણી ઓઈલ કંપની સાઉદી અરામકો ઈન્વેસ્ટર તરીકે જોડી શકે છે. એક વર્ષ પહેલા અનંતને જિયો પ્લેટફોર્મ્સના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના ભાઈ આકાશ અને બહેન ઈશા પણ સભ્ય છે. 64 વર્ષના મુકેશ અંબાણીએ હજી સુધી તેની અનુગામી યોજના જાહેર કરી નથી.
2002માં રિલાયન્સના સ્થાપક ધીરૂભાઇ અંબાણીના અવસાન પછી મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે ઉત્તરાધિકાર બાબતે વિવાદ થયો હતો. કંપનીના બિઝનેસના ભાગલા પાડવા પડ્યા હતા. મુકેશ અંબાણીને ઓઇલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સનો બિઝનેસ મળ્યો હતો, જ્યારે અનિલ અંબાણીને એનર્જી, ફાઇનાન્સ અને ટેલિકોમ બિઝનેસ મળ્યો હતો. જિયો પ્લેટફોર્મ સિવાય 29 વર્ષીય જોડિયા ઇશા અને આકાશ પણ રિલાયન્સ રિટેલ વેંચર્સના બોર્ડમાં છે. અનંતની બોર્ડમાં નિમણૂક થતાં મુકેશ અંબાણીના ત્રણેય બાળકો હવે રિલાયન્સના મુખ્ય વ્યવસાયમાં પ્રતિનિધિત્વ કરે છે.