ક્વીન્સ પાર્ક રેન્જર્સ (QPR)ના આસીસ્ટન્ટ કોચ બની મનીષા ટેઇલર, MBEએ ઇતિહાસ રચ્યો છે. મનીષા ટેઇલર દક્ષિણ એશિયન વારસાની પ્રથમ મહિલા અને પ્રથમ વ્યક્તિ બન્યા છે. તેઓ પોતાની નવી ભૂમિકામાં, ક્રિસ રામ્સેને મદદ કરશે, જેમણે તાજેતરમાં જ તેણીને મેન્ટોર તરીકે મદદ કરી હતી. તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી વેસ્ટ લંડન ક્લબમાં લીડ ફાઉન્ડેશન ફેઝ કોચ તરીકે લેવા આપતા હતા. અહેવાલો અનુસાર, તેણી ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્ટાર રચેલ યાન્કી દ્વારા કોચિંગ બેજ લેવા પ્રેરાયા હતા.
ટેઇલરે જણાવ્યું હતું કે “એક સ્ત્રી તરીકે અને ખાસ કરીને દક્ષિણ એશિયન મહિલા તરીકે મને લાગે છે કે આ અસાધારણ છે અને ક્રિસ તરફથી મને મળેલા માર્ગદર્શન વિના તે શક્ય બન્યું ન હોત. તેમણે હું શું બની શકું તે બતાવવા પ્લેટફોર્મ આપ્યું હતું. આ બતાવે છે કે વિવિધ પૃષ્ઠભૂમિના લોકો માટે આ પ્રકારના કામમાં પ્રગતિ શક્ય છે, પરંતુ તમને મેન્ટોરીંગ, માર્ગદર્શન અને તકની જરૂર છે. મારૂ કામ અંડર-9 થી અંડર-16 સુધીના લોકો સાથે કામ કરવાનું અને રામ્સે દ્વારા નક્કી કરાયેલ એકેડેમીના કોચિંગ અને ફિલોસોફીના પ્રસાર અને અમલમાં મૂકવાનું છે.
મનિષા પોતે માસ્ટર્સ ડીગ્રી સાથે પ્રયમરી સ્કૂલના ક્વોલીફાઇડ હેડ ટીચર છે અને યુકે અને આંતરરાષ્ટ્રીય સ્તરની શાળાઓમાં ભણાવવાનો 15 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ ફૂટબોલ કોચિંગ અને એડવાન્સ યુથ એવોર્ડમાં UEFA B લાઇસન્સ ધરાવે છે. તેમને ‘ફૂટબોલની સેવાઓ અને રમતગમતમાં વિવિધતા’ માટે 2017 માં એમબીઈ મળ્યો હતો.