બ્રિટનના હોમ મિનીસ્ટર પ્રીતિ પટેલ (ફાઇલ ફોટો ) (Photo by MATT DUNHAM/POOL/AFP via Getty Images)

યુકેની યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી આંતરરાષ્ટ્રીય સ્નાતકોને તેમની કારકિર્દી શરૂ કરવાની મંજૂરી આપતા એક નવા ઇમિગ્રેશન રૂટની તા. 1 જુલાઈ 2021થી દેશના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત યુકેની યુનિવર્સિટીમાંથી તેમની ડિગ્રી મેળવ્યા બાદ આવા વિદ્યાર્થીઓ યુકેમાં ઓછામાં ઓછા બે વર્ષ માટે રહીને કામ કરી શકશે અને કૌશલ્યના કોઈપણ સ્તર પર કામ કરવાની તક મેળવી શકશે.

પોઇન્ટ્સ બેઝ્ડ ઇમિગ્રેશન સિસ્ટમનો ભાગ એવો આ નવો રૂટ વિશ્વભરની શ્રેષ્ઠ પ્રતિભાને યુકે આવવા આકર્ષિત કરવામાં મદદ કરશે અને યુકેમાં પહેલેથી જ કુશળતાને પૂરક બનાવવા માટે પ્રયત્નશીલ બિઝનેસીસ વિશ્વભરના સૌથી ઉચ્ચ ગુણવત્તાવાળા લોકોની ભરતી કરી શકે તે સુનિશ્ચિત કરશે. બ્રિટન રોગચાળા બાદ વધુ સારી રીતે દેશનું નિર્માણ કરી રહ્યું છે ત્યારે આ યોજના અર્થતંત્રને આગળ વધારવામાં મદદ કરશે.

આ ગ્રેજ્યુએટ રૂટ યુકેના દરેક ખૂણાઓ માટે કામ કરશે, તે સુનિશ્ચિત કરે છે કે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડના સમુદાયો તેમના અભ્યાસ પછી યુકેમાં પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છતા પ્રતિભાશાળી વ્યક્તિઓનો લાભ મેળવી શકે છે.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે “આપણી વિશ્વની અગ્રણી યુનિવર્સિટીઓ દર વર્ષે હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આવકારે છે. એ મહત્વનું છે કે યુકે વિશ્વભરના પ્રતિભાશાળી યુવાનો માટે એક મશાલ બની રહે. નવો ગ્રેજ્યુએટ રૂટ તે જ કામ કરે છે, શ્રેષ્ઠ અને તેજસ્વી સ્નાતકોને યુકેની સમૃદ્ધિમાં ફાળો આપવાની અને યુકેમાં તેમની કારકિર્દી શરૂ કરવાની આઝાદી આપવાની તક આપે છે.”

યુનિવર્સિટીઝ મિનિસ્ટર, મિશેલ ડોનેઅને કહ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આપણા સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને જેઓ અમારી યુનિવર્સિટીઓમાંથી સ્નાતક થયા છે તેમને અહીં, યુકેમાં રહેવાની અને અર્થપૂર્ણ કારકિર્દી બનાવવાની તક હોવી જોઈએ. તેથી જ અમે આંતરરાષ્ટ્રીય સ્નાતકો માટે આ નવો રૂટ રજૂ કરી રહ્યા છીએ, બ્રિટીશ બિઝનેસીસને વિશ્વના કેટલાક તેજસ્વી, સૌથી વધુ પ્રતિભાશાળી ગ્રેજ્યુએટ્સને આકર્ષવા અને જાળવી રાખવા માટે સક્ષમ કરી રહ્યા છીએ, અને આ રાષ્ટ્રને રોગચાળામાંથી વધુ સારી રીતે બહાર લાવવા મદદ કરી રહ્યા છીએ.”

આંતરરાષ્ટ્રીય ગ્રેજ્યુએટ્સે ગ્રેજ્યુએટ રૂટ પર અરજી કરવા માટે, સરકારની ઇમિગ્રેશન આવશ્યકતાઓનું પાલન કરવાના ટ્રેક રેકોર્ડ સાથે, યુકેના ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થા પાસેથી લાયક અભ્યાસક્રમ પૂર્ણ કરવો આવશ્યક છે.

ગ્રેજ્યુએટ રૂટ અનસ્પોન્સર્ડ છે, એટલે કે અરજદારોને આ રૂટ માટે અરજી કરવા નોકરીની ઑફરની જરૂર નથી. કોઇ ન્યુનત્તમ પગારની પણ આવશ્યકતા અથવા કેપ્સ નથી. રૂટ પરના ગ્રેજ્યુએટ ફ્લેસીબલ રીતે કામ કરી શકે છે, નોકરીઓ બદલી શકે છે અને તેમની કારકિર્દી વિકસાવી શકે છે. 2020માં અભ્યાસક્રમો શરૂ કર્યા હોય અને રોગચાળાને લીધે મુસાફરી કરવામાં અસમર્થ હોય તેવા વિદ્યાર્થીઓએ તા. 27 સપ્ટેમ્બર સુધીમાં યુકેમાં પ્રવેશ કરવો પડશે. ઓટમ 2020 અથવા સ્પ્રિંગ 2021માં અભ્યાસ શરૂ કરનાર વિદ્યાર્થીએ 27 સપ્ટેમ્બર 2021 સુધીમાં પરવાનગી સાથે યુકેમાં હોવું આવશ્યક છે. આ ઓટમ અથવા આવતા વર્ષે શરૂ થનારા અભ્યાસક્રમ માટે આવતા વિદ્યાર્થીઓએ  6 April 2022 સુધીમાં યુકેમાં હોવું જરૂરી છે.

આવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ તેમના એમ્પ્લોયરની સ્પોન્સરશીપની જરૂરિયાત વિના, સેલ્ફ એમ્પલોઇડ સહિત, તેમની સ્કીલ પ્રોફાઇલમાં બંધબેસતા કોઈપણ ક્ષેત્ર અથવા ભૂમિકામાં કામ કરવા માટે અરજી કરી શકશે.”