Kim Leadbeater, MP

2 જુલાઈના રોજ બેટલી અને સ્પેનની પેટા-ચૂંટણી લેબરના કિમ લીડબીટરે 323 મતની  પાતળી સરસાઇથી જીતી લીધી હતી. શ્રીમતી લીડબીટરે 13,296 મત, કોન્ઝર્વેટીવના સ્ટીફન્સને 12,973 મત અને વર્કર્સ પાર્ટી ઓફ બ્રિટનના જ્યોર્જ ગેલોવેએ 8,264 મત મેળવ્યા હતા. આ વિજયને પગલે લેબર નેતા કેર સ્ટાર્મર 2019ની ચૂંટણીમાં લેબરના કંગાળ પ્રદર્શન પછી વરાયેલા યોગ્ય નેતા છે તેમ સાબિત થયું હતું.

વડા પ્રધાન બોરિસ જોન્સનના કન્ઝર્વેટિવ પક્ષને એવી આશા હતી કે તેઓ મે મહિનામાં હાર્ટલેપૂલ બેઠક જીત્યા પછી આ બીજા નોર્ધર્ન ઇંગ્લીશ ક્ષેત્રની બેઠક પરથી પણ લેબરને હાંકી કાઢશે. પરંતુ તેમ થઇ શક્યું ન હતું. તે વખતે કેટલાકને લાગ્યું હતું કે સ્ટાર્મરે જવું પડશે.

વિજેતા કીમ લીડબીટરે જણાવ્યું હતું કે “મને આનંદ છે કે બેટલી અને સ્પેનના લોકોએ ભાગલાને નકારી કાઢ્યા છે અને તેમણે એક આશા માટે મત આપ્યો છે.” બેટલી અને સ્પેનના પૂર્વ લેબર સાંસદ અને કિમના બહેન જો કોક્સની 2016માં તેમના જ મતવિસ્તારમાં એક ઉદ્દામવાદી દ્વારા હત્યા કરવામાં આવી હતી.

સ્ટાર્મરે ટ્વિટર પર આ પરિણામને આવકાર આપતાં કહ્યું હતું કે ‘’કિમે, વિભાજનની સામે આશાની સકારાત્મક ઝુંબેશ ચલાવી હતી. તે બેટલી અને સ્પેન માટે ઉત્કૃષ્ટ લેબર સાંસદ બનશે.”

જોન્સને કહ્યું હતું કે કન્ઝર્વેટિવ ઉમેદવાર રાયન સ્ટીફન્સન એક “અતિ સકારાત્મક ઝુંબેશ” ચલાવતા હતા અને “લાંબા સમયથી  બેઠક ધરાવતા લેબરની બહુમતી ઘટાડવા માટે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું”.

ટ્રેસી બ્રેબિન મેયર બનતા પેટાચૂંટણી આવી પડી હતી. આ સરસાઇએ બતાવ્યું હતું કે કોઈ પણ પક્ષ અન્યની નબળાઇઓને જીતવા સશ્ક્ષમ થયો નહતો. વર્કર્સ પાર્ટી ઓફ બ્રિટનના ડાબેરી નેતા જ્યોર્જ ગેલોવેએ આ સ્પર્ધામાં મુખ્ય વિરોધી પક્ષના મતોને વિભાજીત કરવાના પ્રયાસ કર્યા હોવા છતાં લેબરે પોતાનું મેદાન પકડી રાખ્યું હતું.