. REUTERS/Siphiwe Sibeko

ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જેકબ ઝુમાની ધરપકડ પછી આખા સાઉથ આફ્રિકામાં ફાટી નીકળેલા તોફાનોમાં અનેક ગુજરાતી પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા અને વેપારીઓ લૂંટાયા હતા. જોહાનિસબર્ગ, ડરબન અને ફિનિક્સ જેવા શહેરોમાં રમખાણો દરમિયાન ગુજરાતીઓ તેનો ભોગ બન્યા હતા. ડરબનમાં 10 લાખથી વધુ ભારતીય મૂળના લોકો રહે છે ત્યારે ઘણાં ઔદ્યોગિક એકમો ગુજરાતી વેપારીઓના છે અને તેને જ તોફાની તત્વોએ નિશાન બનાવ્યા હતા.

આફ્રિકામાં થયેલા રમખાણોમાં આશરે 200 લોકોના મોત થયા હતા અને ભાર લૂંટફાટ થઈ હતી. હિંસા અને લૂંટફાટની ઘટના બાદ પોલીસે આશરે 2,500 લોકોની ધરપકડ કરી હતી.

સાઉથ આફ્રિકામાં રહેતા અબ્દુલ પટેલના સુરતમાં રહેતા ભાઈ આસિફ પટેલે જણાવ્યું હતું કે તેમના મોટાભાઈ, ભાભી અને તેમના બે સંતાનોને એક અઠવાડિયા સુધી ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી હતી.તેઓ ખાણીપીણીની વસ્તુઓ ખરીદવા માટે પણ બહાર નીકળી શક્યા ન હતા.

થોડા મહિના પહેલા જ ભરૂચ સ્થિત પોતાના વતન ટંકારિયા પાછા ફરેલા અફરોઝના પિતા સઈદે કહ્યું, 10 લાખ રૅન્ડ (દક્ષિણ આફ્રિકાનું ચલણી નાણું)થી વધુની કિંમતનો સામાન અમારી દુકાનમાંથી ચોરાયો છે. અમારા દીકરાના ઘરમાં તેમણે એક ચમચી પણ રહેવા નથી દીધી. ડરબનમાં રેસ્ટોરાં ચલાવતા સલ્વરુદ્દીન પટેલ એક અઠવાડિયા સુધી પોતાના ઘરમાં પૂરાયેલા રહ્યાં હતાં.