યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા બ્રહ્મલીન પૂ. હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર રવિવારે, એક ઓગસ્ટે બપોરે સોખડા હરિધામ મંદિરના લીમડા વનમાં કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામીનારાયણ અને પૂ. હરિપ્રસાદ સ્વામીજીના નામની ધૂન સાથે ભક્તો-સંતોની અત્યંત ભાવવિભોર અવસ્થા વચ્ચે સંતોએ સ્વામીજીના પાર્થિવ દેહનો મુખાગ્નિ આપ્યો હતો. અંતિમ સંસ્કાર પૂર્વે સ્વામીજીના પાર્થિવ દેહની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સંતો જોડાયા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત મહાનુભાવો, હરિભક્તોએ આજે અંતિમદર્શન કરીને પુષ્પાજંલિ અર્પણ કરી હતી.
પૂ. હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહને શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક કરવામાં આવ્યો હતો. બાદમાં સ્વામીજીના દિવ્ય વિગ્રહને વિશેષ પાલખીમાં પધરાવવામાં આવ્યો હતો. મંદિરની પ્રદક્ષિણા ફર્યા બાદ અંત્યેષ્ટિ સ્થળ લીમડાવનમાં અંતિમયાત્રા પહોંચી હતી. જ્યાં પુરુષસૂક્તના શ્લોકોના ગાન વચ્ચે વિધિ કરવામાં આવી હતી. અંત્યેષ્ટિ માટે ચંદન, કેર, ઉમરો, પીપળો, સવન, તુલસી અને પરમ પૂજ્ય સ્વામીને પ્રિય નીમવૃક્ષનાં કાષ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં અખંડ દીપથી ચિતા પ્રજ્વલિત કરવામાં આવી હતી. દિવ્ય વિગ્રહને ચરણકમળથી અગ્નિનો સ્પર્શ કરાવીને ચિતા પ્રજ્વલિત કરવામાં આવી હતી. રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ કરાવી હતી. પાલખી યાત્રા દરમિયાન આકાશમાં પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.