ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) તેના સોનાના ભંડારમાં સતત વધારો કરી રહી છે. 2021ના કેલેન્ડર વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં આરબીઆઈએ તેના ગોલ્ડ રિઝર્વમાં 29 ટનનો વધારો કર્યો હતો. આ સાથે ભારતની મધ્યસ્થ બેન્કનું કુલ ગોલ્ડ રિઝર્વ વધી પહેલીવાર 700 ટનને વટાવી ગયુ છે. ગોલ્ડ હોલ્ડિંગના સંદર્ભમાં વિશ્વની તમામ સેન્ટ્રલ બેન્કોમાં આરબીઆઇનો ક્રમ હવે 10મો થયો છે.
ભારતની આ મધ્યસ્થ બેન્કનું સુર્વણ ભંડોળ વર્ષ 2018ની શરૂઆતમાં 558.1 ટન હતું. તે વર્ષ 2021ના જૂન મહિનાના અંતે 705.6 ટનને પાર કરી ગયું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા અનુસાર, જૂન 2021માં વિશ્વના તમામ દેશોની મધ્યસ્થ બેંકોએ કુલ 32 ટન સોનાની ખરીદી કરી હતી, જેમાં ભારતની રિઝર્વ બેન્કની હિસ્સેદારી 30 ટકા (9.4 ટન) જેટલી હતી. આ વખતે રિઝર્વ બેન્કે કેલેન્ડર વર્ષ 2021ના પ્રથમ છ મહિનાના જાન્યુઆરીથી જૂન દરમિયાન 29.2 ટન સોનાની ખરીદી કરી છે જે અત્યાર સુધી આ સમયગાળામાં કરાયેલી સૌથી વધુ ખરીદી છે, આ સાથે રિઝર્વ બેન્કનું કુલ ગોલ્ડ રિઝર્વ 705.6 ની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગયુ છે. ફોરેક્સ રિઝર્વમાં ગોલ્ડ રિઝર્વનો પણ સમાવેશ થાય છે.