હરિયાણામાં ભાજપની મનોહર લાલ ખટ્ટર સરકારે ‘ગોરખધંધા’ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં સામાન્ય રીતે ખોટા કામોને વ્યાખ્યાયિત કરવા માટે ‘ગોરખધંધા’ શબ્દનો પ્રયોગ થાય છે. રાજ્યના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે આનું કારણ આપતા જણાવ્યું હતું કે ગોરખનાથ એક સંત હતા અને આ શબ્દના ઉપયોગથી તેમના અનુયાયીઓની લાગણીને ઠેસ પહોંચતી હતી. જોકે આ શબ્દના ઉપયોગથી કેવી સજા થશે તે અંગેની કોઇ જાણકારી મળી શકી ન હતી.
ગોરખનાથ સંપ્રદાયના લોકોએ તાજેતરમાં જ મુખ્યપ્રધાન ખટ્ટરની મુલાકાત લીધી હતી અને ગોરખધંધા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા માંગણી કરી હતી. તેમની માંગણીને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગોરખનાથ એક સંત હતા અને સોનીપતથી 20 કિમી દૂર ગોર્ડ ગામમાં તેમનું એક મંદિર પણ છે.