અમેરિકાની અગ્રણી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના ચાર મોડલને ભારતમાં મંજૂરી સાથે આ કંપની ભારતમાં પ્રવેશ માટે સજ્જ બની છે. કેન્દ્ર સરકારના પરિવહન મંત્રાલયે કંપનીના ચાર મોડલના ઉત્પાદન કે આયાતને મંજૂરી આપી છે. જોકે, મંત્રાલયના વાહન પોર્ટલ પર મંજૂર કરવામાં આવેલા મોડેલો વિશે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. ટેસ્લાએ અગાઉ ભારતમાં ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરવાની માગણી કરી હતી.
દેશ અને વિદેશના તમામ ઓટોમોબાઈલ ઉત્પાદકોએ લોન્ચિંગ પહેલા તેમના વાહનોને સ્થાનિક સ્તરે સર્ટિફાઈડ કરાવવા જરૂરી છે. ગત વર્ષે ટેસ્લાએ પોતાના ભારતીય યુનિટ ટેસ્લા ઇન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી લિમિટેડ શરુ કર્યું હતું. આ સાથે જ કંપનીએ દેશમાં પોતાના મોડેલ્સ લૉન્ચ કરવાનો સંકેત આપ્યો હતો. ટેસ્લાએ લૉન્ચની તૈયારી માટે સિનિયર અધિકારીઓની ભરતી પણ શરુ કરી દીધી છે.
ટેસ્લા ફેન ક્લબે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ટેસ્લાને દેશમાં 4 મોડેલ્સ માટે મંજૂરી મળી છે. આ મોડેલ 3 અને મોડેલ 4ના વેરિએન્ટ હોઈ શકે છે. કંપનીએ કેન્દ્ર સરકારને ઇલેક્ટ્રિક વાહનો અને તેના પાર્ટ્સ પરની આયાત ડ્યૂટી ઘટાડવા વિનંતી કરી હતી. કંપની શરૂઆતમાં તેના વાહનોને સંપૂર્ણ બિલ્ટ યુનિટ તરીકે આયાત કરી શકે છે.ટેસ્લાના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ એલોન મસ્કે ગયા વર્ષે કહ્યું હતું કે કંપની 2021 માં ભારતમાં પ્રવેશ કરશે. જોકે તેઓએ કહ્યું હતું કે દેશમાં ઈમ્પોર્ટેડ ઇલેક્ટ્રિક વાહનો પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારે હોવાને કારણે ટેસ્લાની યોજના પર પ્રતિકૂળ અસર પડી રહી છે.