NHS વોલંટીયર્સ રીસ્પોન્ડર્સે વધતી જતી જરૂરિયાતને પગલે સાઉથ એશિયન સમુદાયના લોકોને સ્ટીવર્ડ વોલંટીયર્સ તરીકે સ્થાનિક રસીકરણ કેન્દ્રો પર મદદ કરવા હાકલ કરી છે.
રસીના બંને ડોઝ મેળવવા એ ખુદના માટે અને આસપાસના લોકોને વાયરસથી બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. લોકો આસાનીથી સુરક્ષિત રીતે રસી લઇ શકે તે માટે સ્વયંસેવકો રસીકરણ કેન્દ્રો પર ક્લિનિકલ સ્ટાફને મદદ કરે છે. આ સ્વયંસેવકો સામાજિક અંતર જાળવી જરૂર હોય તેમની કાળજી લઇ મદદ કરે છે. સ્વયંસેવકોની સલામતીની પૂરતી કાળજી લેવાય છે.
સ્ટીવર્ડ વોલંટીયર્સ તરીકે સાઇન અપ કરવામાં રસ ધરાવતા લોકોને વેબસાઇટ www.nhsvolunteerponders.org.uk પર સંપર્ક કરવા વિનંતી છે. આ માટે કોઇ અનુભવ અથવા લાયકાત જરૂરી નથી અને તમારા ખર્ચને આવરી લેવામાં આવે છે. આ કાર્યક્રમ NHS ઇંગ્લેન્ડ અને NHS ઇમ્પ્રૂવમેન્ટ દ્વારા સ્થાપવામાં આવ્યો હતો અને રોયલ વોલંટીયરી સર્વિસ અને ગુડસેમ દ્વારા ચલાવાય છે. જોડાયેલા સ્વયંસેવકો મોબાઈલ ફોન એપનો ઉપયોગ કરીને જે તે કેન્દ્ર અને સમય પસંદ કરી શકે છે.
ગયા વર્ષે કોવિડ-19માં એક પાડોશીને ગુમાવનાર જસબીર બાંગર નામના એનએચએસ વોલંટીયર આ સેવા આપવા માટે ઉત્સાહી છે. તેઓ કહે છે કે “મને લાગે છે કે મારી પૃષ્ઠભૂમિના લોકોમાં રસીનો ઉપયોગ ઓછો છે અને ઘણી વખત તેઓ કેન્દ્ર પર પહોંચે ત્યારે નર્વસ થઈ શકે છે. પરંતુ મારી આછી પાતળી પંજાબીમાં બોલીને તેમને મદદ કરૂ છું. તમે નાની મદદ કરી વાસ્તવિક તફાવત લાવી શકો છો.
SRO-NHS ઇંગ્લેન્ડ, NHS કોવિડ-19 વેક્સીન ડીપ્લોયમેન્ટ પ્રોગ્રામ, પ્રોફેસર સર કીથ વિલેટે કહ્યું હતું કે “અમે આ માટે ટેકો આપવા આગળ આવનાર દરેક વ્યક્તિની ખૂબ જ પ્રશંસા કરીએ છીએ. તમામ સ્વયંસેવકો નિર્ણાયક ભૂમિકા નિભાવી રહ્યા છે અને પ્રોગ્રામની સફળતાનો મુખ્ય ભાગ છે.”
રોયલ વોલન્ટરી સર્વિસના ચીફ એક્ઝિક્યુટિવ કેથરિન જ્હોનસ્ટોન CBE એ કહ્યું: “અમે રસીકરણ રોલઆઉટમાં નિર્ણાયક ક્ષણે છીએ. શક્ય તેટલી ઝડપથી વધુ લોકોને રસી અપાવવા માટે અમને સ્વયંસેવકોની ખાસ જરૂરિયાત છે. કૃપા કરીને અચકાયા વગર ટીમમાં જોડાઈને મદદ કરો.”