
ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે નિયુક્ત થયેલા ભુપેન્દ્ર પટેલે રવિવારે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમક્ષ રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપરત કર્યો હતો. ભુપેન્દ્ર પટેલની મુખ્યપ્રધાન તરીકેની શપથવિધિ 13 સપ્ટેમ્બર બપોરે 2.30 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. તેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજરી આપશે.
ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતેના ભાજપના કાર્યાલય કમલમથી જ સરકારી ગાડીમાં બેસી અને રાજભવન પહોંચ્યા હતા. ગાડીમાં આગળ ભુપેન્દ્ર પટેલ પાછળ ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ બેઠા હતા. આ પ્રસંગે વિદાય લઈ રહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપરાંત પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી તેમજ ભાજપના પ્રદેશ અગ્રણીઓ, સાંસદો વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા બાદ ભુપેન્દ્ર પટેલ અમદાવાદ નજીકના અડાલજ સ્થિતિ દાદા ભગવાનના મંદિર પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા.
સોમવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવશે. આ પછી નવનિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં કોને લેવા અને કોને પડતા મૂકવા નિર્ણય લેવાશે.
ભુપેન્દ્ર પટેલને અભિનંદન અને શુભેચ્છાઓ આપતા અમિત શાહે રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યની નિરંતર વિકાસ યાત્રાને નવી ઉર્જા અને વેગ મળશે અને ગુજરાત સુશાસન અને જન કલ્યાણમાં અગ્રેસર રહેશે.
નવા મુખ્યપ્રધાન તરીકે વરણી બાદ ભુપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને અમિત શાહનો આભાર માનું છું. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ અને વિજયભાઈની ટીમનો આભાર માનું છું. આનંદીબેનના આશીર્વાદ હંમેશાં રહ્યાં છે અને રહેશે. ગુજરાતના જે કામો છે. તે અમે સંગઠન અને સરકાર સાથે મળીને અત્યારસુધી જે સારા કામો થયા છે. છેવાડાના માનવી સુધી પહોંચવાના પ્રયાસો થઇ રહ્યાં છે. હવે જે કામ બાકી હશે તે અમે નવેસરથી પ્લાન કરી સંગઠન સાથે બેસી ખૂબ સારી રીતે આગળ વધે તેના માટે પ્રયત્નો કરીશું.













