કોરોના વેક્સિન સર્ટિફિકેટ અંગે બ્રિટન સાથે વિવાદ પછી સરકારે હવે વેક્સિનના બંને ડોઝ લીધેલા અને વિદેશ જવા માગતા લોકો માટે CoWin સર્ટિફિકેટમાં આખી જન્મતારીખની લખવાની સુવિધા ઊભી કરશે, એમ સત્તાવાર સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું.
હાલમાં કોવિન સર્ટિફિકેટમાં જન્મના વર્ષના આધારે માત્ર ઉંમરનો ઉલ્લેખ કરવામાં આવે છે. વેક્સિન સર્ટિફેકટ આપતા કોવીન એપ્સમાં હવે ડબલ્યુટીઓના ધોરણાનું પાલન કરવા માટે નવા ફીચર્સનો ઉમેરો કરવામાં આવશે. આગામી સપ્તાહથી આ ફિચર્સ કાર્યરત થવાની ધારણા છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે કોવિન એપમાં નવું ફિચર ઉમેરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેનાથી વેક્સિનના બંને ડોઝ લીધેલા અને વિદેશ જવા માગતા લોકો વેક્સિન સર્ટિફિકેટમાં તેમની આખી જન્મતારીખનો ઉલ્લેખ કરાવી શકશે.
બ્રિટને બુધવારે તેના નવા ટ્રાવેલ નિયમોમાં સુધારો કર્યો હતો અને તેમાં માન્ય વેક્સિનની યાદીમાં એસ્ટ્રેઝેનેકા વેક્સિનના ભારતમાં ઉત્પાદિત વર્ઝનનો સમાવેશ કર્યો હતો. ભારતની કોવિશિલ્ડ વેક્સિનને માન્ય ન રાખવાના બ્રિટનના નિર્ણયનો ભારતે જોરદાર વિરોધ કર્યો હતો અને વળતાં પગલાં લેવાની ચીમકી આપી હતી. આ પછી બ્રિટનને તેની ટ્રાવેલ એડવાઇઝરીમાં માન્ય વેક્સિનની યાદીમાં કોવિશીલ્ડનો સમાવેશ કર્યો હતો. જોકે હજુ પણ વેક્સિનના બંને ડોઝ લીધેલા ભારતના મુસાફરોએ બ્રિટનમાં 10 દિવસ ક્વોરેન્ટાઇન થવું પડશે. બ્રિટને ભારતના વેક્સિન સર્ટિફિકેટ સામે વાંધો ઉઠાવ્યો હતો. બુધવારે ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનર એલેક્સ એલિસે જણાવ્યું હતું કે અમને કોવિશિલ્ડ સામે વાંધો નથી. બ્રિટન ટ્રાવેલ માટે ખુલ્લું છે તથા ભારતમાંથી પ્રવાસીઓ, બિઝનેસમેન અને વિદ્યાર્થીઓ સહિતના ઘણા લોકો બ્રિટનમાં આવી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે કોવિન એપ અને એનએચએસ એપના ડેવલપર્સ સાથે સર્ટિફિકેટ અંગે વિગતવાર ટેકનિકલ ચર્ચાવિચારણા કરી છે. આ અંગે ઝડપથી કામગીરી થઈ રહી છે, જેનાથી બંને દેશો એકબીજાની વેક્સિનને પરસ્પર સંમતી આપી શકે છે.