ભાવનગર જિલ્લાના સિહોર પાસે આવેલ એ.પી.પી.એલ.કન્ટેઇનર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત ૨૦ જી.પી. અને ૪૦ જી.પી. કાર્ગો કન્ટેઇનર્સનું કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઇ માંડવિયાએ શનિવારે નિરીક્ષણ કર્યું હતું. તેમણે કન્ટેઇનર્સ નિર્માણ ફેક્ટરીની પણ મુલાકાત લઇને કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કન્ટેઇનર્સની અછત છે. વિશ્વમાં વાર્ષિક ૩ લાખ કન્ટેઇનર્સની જરૂર છે. ભારતમાં પણ તેની મોટી માંગ છે. છ મહિના પહેલા ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સમાં તે અંગેની વાત કરી હતી અને માત્ર છ મહિનામાં ભાવનગરની કંપની દ્વારા કન્ટેઇનર્સ નિર્માણનું કામ વિધિવત રીતે શરૂ થઈ ગયું છે તે આનંદની વાત છે.
તેમણે ઉમેર્યું કે, આ કંપનીની શરૂઆત બાદ અન્ય છ કંપનીઓ સાથે ૧૦ ઉત્પાદકો ભાવનગરમાં કન્ટેઇનર્સ નિર્માણ કરવાની શરૂઆત કરવાનાં છે. આ રીતે કન્ટેઇનર્સ બનાવવાં ભારતનાં અભિયાનમાં ભાવનગર લીડ લેશે. ભાવનનગરમાં કન્ટેઇનર્સ નિર્માણની શરૂઆત થતાં એક ઇકો સિસ્ટમ બનશે તેનાં આધારે ક્લસ્ટર બનાવાશે અને ભારતમાં જ નિર્મિત કન્ટેઇનર્સ દ્વારા આત્મનિર્ભર ભારતનો મંત્ર સાકાર કરી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, ભારત સરકાર આવાં કન્ટેઇનર્સ નિર્માતાઓને મદદરૂપ બનવા અંગેની નીતિ પણ ઘડશે.