અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા એક ધનાઢય પરિવારના 80 વર્ષીય વૃદ્ધ નશો કરવાના રવાડે ચડી ગયા હતા અને બહારથી અલગ અલગ મહિલાને ઘરે બોલાવતા હતા. આ મામલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં 75 વર્ષીય વૃદ્ધાએ મહિલા હેલ્પલાઈન અભયમની મદદ માગતા અભયમની ટીમે વૃદ્ધનું કાઉન્સેલિંગ કરી ઢળતી ઉંમરે આવા વર્તનથી સમાજ-પરિવાર પર પડતી અસર અંગે સમજ આપતા વૃદ્ધે ભૂલ સ્વીકારી હતી.

એક દિવસ 75 વર્ષના મહિલાએ હેલ્પલાઈન અભયમને ફોન કરીને કહ્યું કે, હું સાધન સંપન્ન પરિવાર ધરાવું છું, મારે અને પતિ વચ્ચે સારો મનમેળ હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મારા પતિને નશાની ટેવની સાથોસાથ તેઓ બહારથી અલગ અલગ સ્ત્રીને ઘરે બોલાવે છે. આ બાબતે હું વિરોધ કરું તો મારી સાથે ઝઘડો કરે છે. વૃદ્ધાની વાત સાંભળી અભયમની ટીમે ચોંકી જઇને વૃદ્ધાના ઘરે પહોંચી હતી. અભયમની ટીમે વૃદ્ધને સમજાવ્યા કે તમે સમાજમાં આબરૂ ધરાવતા પરિવારના છો યુવાનીના જોશમાં કોઈ આવું કરે તો સમજી શકાય પરંતુ જીવનના આ પડાવ પર નશો કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, બીજું અન્ય મહિલાને ઘેર બોલાવવાથી સમાજમાં પરિવારની આબરૂ જવાનો ભય છે. આ સંજોગોમાં આ કુટેવો છોડીને શાંતિથી જીવન જીવવાની સલાહ આપી હતી. જેમાં વૃદ્ધને પોતાની ભૂલ સમજાતા તેમણે હવેથી નશો નહીં કરવાની અને કોઈ મહિલાને ઘરે નહીં બોલાવાની બાંહેધરી આપતા મામલો થાળે પડયો હતો.