પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સેલ્સમેનની આંખમાં મરચાની ભુકી નાખીને 12 કિલો ચાંદી ભરેલા થેલાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થયા હતા. લૂંટની ઘટના બાદ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ નિકોલ પોલીસને થતા તે ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, પોલીસે આ મામલે લૂંટનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગત એવી છે કે, વાસણા વિસ્તારમાં રહેતો સંકેત ખટીક માણેકચોકમાં આવેલી મિલન ગોલ્ડ નામની જ્વેલર્સની દુકાનમાં સેલ્સમેનની નોકરી કરે છે. પોતાની ફરજના ભાગ રૂપે સંકેત શહેરના વિવિધ જ્વેલર્સના ત્યાં સોના અને ચાંદીના દાગીના બતાવવા તથા વેચવા માટે જતો હોય છે. નિકોલના સત્યમ પ્લાઝા પાસે સંકેત 12 કિલો ચાંદીના દાગીના ભરેલો થેલો લઈને ઉભો હતો આ સમયે એક્ટિવા પર ત્રણ શખ્સો ચાંદીની લૂંટ ચલાવવાની યોજના સાથે તાક માંડીને જ બેઠા હતા. એક્ટિવા પર આવેલા ત્રણેય શખ્સોએ સંકેતની આંખમાં મરચાની ભુકી નાખી હતી અને પછી તેની પાસે રહેલા 12 કિલો ચાંદી ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવ્યા બાદ ત્રણેય શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ સમયે સંકતે આરોપીઓને પકડવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે, આ પ્રયાસમાં સંકેત નિષ્ફળ રહ્યો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. લૂંટની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામી હતી.