હાર્દિક પટેલ (Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાત કોંગ્રેસે તેની તૈયારી ચાલુ કરી છે. પક્ષે રાજ્ય એકમમાં બે મુખ્ય હોદ્દાઓની નિમણૂક માટે તૈયારી કરી રહી છે. પ્રથમ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે.
પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા આ મુખ્ય હોદ્દા માટે કોંગ્રેસમાં જ ત્રણ જૂથો ઉભા થયા છે.

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, જીપીસીસીના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ જીપીસીસી પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની છાવણીઓએ તેમના સંબંધિત નેતાઓએ આ હોદ્દા માટે લોબિંગ શરું કર્યું છે.

GPCC પ્રમુખ અને LoP ના બે મુખ્ય હોદ્દાઓ છ મહિનાથી વધુ સમયથી ખાલી છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય અને કોંગ્રેસની કારમી હાર બાદ અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હતું. પાર્ટી દ્વારા તેમના રાજીનામા સ્વીકારવામાં આવ્યા હતા અને નવી નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી પદ પર ચાલુ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ વર્ષે મે મહિનામાં એઆઈસીસી ગુજરાતના પ્રભારી રાજીવ સાતવના અકાળે મૃત્યુને પગલે નવા નેતાઓની નિમણૂકની પ્રક્રિયા પાટા પરથી ઉતરી ગઈ હતી. જે હવે આ મહિનાની શરૂઆતમાં પાર્ટી હાઇકમાન્ડે રઘુ શર્માને AICC ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા બાદ ફરી પાટે ચડતી દેખાઈ રહી છે.

આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે AICC ગુજરાતના પ્રભારી રઘુ શર્મા કોંગ્રેસની અંદર ઊભા થયેલા આ ત્રણેય જૂથોના પ્રતિનિધિઓને મળ્યા હતા અને ત્રણેય જૂથોના નેતાઓની લોકપ્રિયતા અંગે માહિતી મેળવી હતી. સૂત્રોએ જણાવ્યું કે શર્માએ શનિવારે દિલ્હીમાં કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠકમાં GPCC પ્રમુખ અને LoP ના પદ માટે વિવિધ દાવેદારો પર ચર્ચા કરી છે. આગામી એક મહિનામાં નવા GPCC પ્રમુખ અને LoP ના નામ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.