(ANI Photo)

ડ્રગ કેસમાં બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન માટે બોમ્બે હાઇ કોર્ટમાંથી રાહતજનક સમાચાર આવ્યા છે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન અને બીજા બે આરોપીના જામીન મંજૂર કરતાં બોમ્બે હાઇ કોર્ટના વિગતવાર આદેશમાં જણાવાયું છે કે પ્રથમદર્શીય રીતે આરોપીઓ સામે એવા કોઇ પુરાવા મળ્યા નથી કે આરોપીઓએ ગુનો કરવા માટે ષડયંત્ર રચ્યું હતું.

બોમ્બે હાઇ કોર્ટે 28 ઓક્ટોબરે આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને ફેશન મોડલ મુનમુન ધામેચાને જામીન આપ્યા હતા. આ ઓર્ડરની વિગતવાર કોપી શનિવારે ઉપલબ્ધ થઈ હતી.

 કોર્ટે જણાવ્યું છે કે આર્યન ખાનના ફોનની વોટ્સએપ ચેટ્સનું અવલોન કરતાં જણાય છે કે આ કેસમાં ત્રણેય આરોપીઓએ ગુનો કરવા માટે ષડયંત્ર રચ્યું હોય તેવું દર્શાવતું કોઇ વાંધાજનક નથી. NDPS ધારા હેઠળ એનસીબીએ રેકોર્ડ કરેલા આર્યન ખાનના કબુલાતનામાની માત્ર તપાસના હેતુ માટે વિચારણા કરી શકાય છે. તેનો એવું અર્થઘટન માટે ઉપયોગ ન કરી શકાય કે આરોપીઓએ NDPS ધારા હેઠળ ગુનો કર્યો છે.

તમામ આરોપીઓ સામેના કેસની એકસાથે વિચારણા કરવી જોઇએ તેવી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની દલીલ નકારી કાઢતા કોર્ટે જણાવ્યું હતું કે આ કોર્ટને પ્રતીતિ થાય તેવા ભાગ્યે જ કોઇ પોઝિટિવ પુરાવા છે કે તમામ આરોપી વ્યક્તિઓએ સહિયારા ઇરાદા સાથે ગેરકાયદેસર કૃત્યો કર્યા છે. આનાથી વિરુદ્ધ અત્યાર સુધીની તપાસ દર્શાવે છે કે આર્યન અને અરબાઝ મર્ચન્ટ સહઆરોપી મુનમુન ધામેચાથી અલગ રીતે પ્રવાસ કરતા હતા અને કથિત ગુના અંગે કોઇ સંમતી નથી.

કોર્ટે તેના 14 પેજના આદેશમાં જણાવ્યું છે કે આરોપીઓ સામે ષડયંત્રનો કેસ માનવા માટે પણ એવી કોઇ સામગ્ર નથી કે જેથી માની શકાય છે કે બીજા આરોપી સાથે સંમતી થઈ હતી. કોર્ટે નોંધ્યું હતું કે ત્રણેય આરોપીઓ આશરે 25 દિવસ જેલમાં રહી ચુક્યા છે અને ફરિયાદ પક્ષે એ સ્થાપિત કરવા માટે મેડિકલ તપાસ પણ કરી નથી કે તેમણે ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં. આર્યન ખાન સામે કોઇ વાંધાજનક સામગ્રી મળી નથી અને આ હકીકતનો ઇનકાર પણ થયું નથી. મર્ચન્ટ અને ધામેચા પાસે ડ્રગ મળ્યું હતું, પરંતુ તેમની પાસેથી મળેલા જથ્થો ઘણો નાનો ગણી શકાય છે.