કેન્દ્રીય કેબિનેટ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની દરખાસ્તને બુધવારે મંજૂરી આપે તેવી શક્યતા છે. અગાઉ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ત્રણેય કાયદાને પાછા ખેંચી લેવાની જાહેરાત કરી ચુક્યા છે.
સરકારને સૂત્રોએ જણાવ્યું હતું કે કેબિનેટની મંજૂરી બાદ કૃષિ કાયદાને રદ કરવાના ત્રણ બિલ સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી ચાલુ થઈ રહ્યું છે. વડાપ્રધાનની જાહેરાત બાદ કેન્દ્ર સરકાર સંસદમાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવાના બિલ રજૂ કરશે. ખેડૂતો આ ત્રણેય કૃષિ કાયદાનો ગયા વર્ષના નવેમ્બરથી વિરોધ કરીને દિલ્હીની સીમા પર ત્રણ જગ્યાએ આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતોએ સંસદમાં આ કાયદા રદ ન કરવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરેલી છે.