વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા ખેંચવાની અચાનક જાહેરાત કર્યા બાદ આ કાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ પોતાની જીતની ઉજવણી કરી હતી . (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કરવાના બિલને મંજૂરી આપી દીધી હતી. ખેડૂતોના એક વર્ષ લાંબા આંદોલન બાદ નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. હવે કેબિનેટમાં મંજૂરી મળ્યા બાદ કાયદા રદ કરવાના બિલને સંસદના શિયાળુ સત્રમાં બંને ગૃહમાં પસાર કરાવવામાં આવશે.

કેબિનેટની બેઠકના નિર્ણય અંગે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે આ ત્રણેય કાયદા રદ કરવાના બિલને મંજૂરી આપી છે. સંસદના આગામી સત્રમાં આ કાયદાને પાછા ખેંચી લેવાની બાબત સરકાર પ્રાથમિકતા આપશે.

વડાપ્રધાન મોદીએ શુક્રવારે દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર આ કાયદા ખેડૂતોના હિતમાં સારા ઉદ્દેશ્ય સાથે લાવી હતી, પરંતુ અમે કેટલાક ખેડૂતોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા. વડાપ્રધાને કહ્યું હતું કે આગાની સંસદના સત્રમાં કાયદાને પરત લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જ્યારે નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સંસદ સત્ર શરૂ થયા બાદ ઓછામાં ઓછા ત્રણ દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. સંસદનું સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે.

સરકારે આ કાયદા પાછા ખેંચી લેવાની માગણી કર્યા પછી પણ ખેડૂતો તેમનું આંદોલન સમેટવા માટે તૈયાર નથી અને ટેકાના ભાવ અંગે કાયદા સહિતની વધુ માગણી કરી રહ્યાં છે.