વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ સોમવારે ચેતવણી આપી હતી કે ઓમિક્રોન વેરિયન્ટને પગલે વિશ્વમાં ખૂબ ઊંચું જોખમ છે. પ્રારંભિક પુરાવાને આધારે લાગે છે કે સ્વરૂપ બદલતા આ કોરોના વાઇરસથી “ગંભીર પરિણામો” સાથે કેસોમાં ઉછાળો આવી શકે છે. યુએનની હેલ્થ એજન્સીની આ નવા વેરિયન્ટ અંગેની અત્યાર સુધી સૌથી મોટી અને સૌથી સ્પષ્ટ વોર્નિંગ છે. ટેકનિકલ પેપરમાં સમાવેશ કરવામાં આવેલા WHOના આ એસેસમેન્ટની સભ્ય દેશોને પણ માહિતી આપવામાં આવી છે.
વિશ્વના વિવિધ દેશોમાં નવા વેરિયન્ટના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને દેશો પોતાના દ્વાર બંધ કરી રહ્યા છે ત્યારે WHOએ આ વોર્નિંગ જારી કરી છે. જાપાન અને ઇઝરાયેલે વિદેશી મુસાફરો માટે તેના દ્વાર બંધ કરી દીધા છે. મોરોક્કોએ તમામ ઇનકમિંગ ફ્લાઇટ પર પ્રતિબંધ મક્યો છે. અમેરિકા અને યુરોપના દેશોએ પણ આફ્રિકા પર ટ્રાવેલ નિયંત્રણો મૂક્યા છે.
WHOએ જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિયન્ટ અંગે ઊંચી અનિશ્ચિતતા છે, પરંતુ પ્રાથમિક પુરાવામાં એવી શક્યતા જણાય છે કે આ વેરિયન્ટના ઘણા સ્વરૂપ છે, તેથી રોગપ્રતિકારક સિસ્ટમમાંથી છટકી શકે છે તથા એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાવાની તેની ક્ષમતામાં વધારો થાય છે. આ લાક્ષણિકતાને આધારે કોરોનામાં ભાવિ ઉછાળો આવી શકે છે. તેનાથી ગંભીર પરિણામો આવી શકે છે. એકંદરે વૈશ્વિક જોખમને ખૂબ ઊંચુ ગણવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકો આ વેરિયન્ટને સમજવા માટે પુરાવા શોધી રહ્યાં હોવાનો ઉલ્લેખ કરતાં હેલ્થ એજન્સીએ જણાવ્યું હતું કે વિશ્વના દેશોએ વેક્સિનેશનની પ્રક્રિયાને શક્ય હોય તેટલી ઝડપી બનાવવી જોઇએ.