યુકે અને ભારતને નેચરલ પાર્ટનર્સ ગણાવતા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને મંગળવારે જણાવ્યું હતું કે બંને દેશો 5G ટેલિકોમથી લઇને સ્ટાર્ટ-અપ સુધીના “અદભૂત પ્રોજેક્ટ” પર સાથે મળીને કામગીરી કરી રહ્યાં છે. તેનાથી લોકોના જીવનમાં પરિવર્તન આવશે તથા સ્વતંત્રતા, ખુલ્લાપણુ અને શાંતિના સિદ્ધાંતને પ્રોત્સાહન મળશે.
વીડિયો લિન્ક મારફત ગ્લોબલ ટેકનોલોજી સમીટને સંબોધન કરતાં જોન્સને જણાવ્યું હતું કે 2030 ઇન્ડિયા-યુકે રોડમેપ મુજબ આગામી દાયકામાં ભારત અને યુકે ટેકનોલોજી અને બીજા ક્ષેત્રોમાં તેમના જોડાણને વધુ સુદ્રઢ બનાવશે.
આ વર્ષના મે મહિનામાં વર્ચ્યુઅલ સમીટમાં જોન્સન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકે અને ભારતના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા માટે 2030 રોડમેપ પર હસ્તાક્ષર કર્યા હતા.
વડાપ્રધાને જણાવ્યું હતું કે “ઇવોનેશન અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાની અમારી સહિયારા સંસ્કૃતિ સાથે યુકે અને ભારત નેચરલ પાર્ટનર્સ છે. અમે 5G અને ટેલિકોમમાં યુકે-ઇન્ડિયા ભાગીદારીથી લઇને ભારતની અગ્રણી કંપનીઓ સાથે કામ કરતાં યુકે સ્ટાર્ટ-અપ સહિતના ઘણા અદભૂત પ્રોજેક્ટ્સ અંગે સાથે મળીને કામગીરી કરી રહ્યાં છે.”
છઠ્ઠી એન્યુઅલ ગ્લોબલ ટેકનોલોજી સમિટમાં વિશેષ સંબોધનમાં જોન્સને જણાવ્યું હતું કે એકસાથે કામગીરી કરીને અમે માત્ર લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે તેવી સફળતાઓ જ નહીં, પરંતુ સ્વતંત્રતા, ખુલ્લાપણુ અને શાંતિના સિદ્ધાંત આધારિત નવી ટેકનોલોજીને પણ આકાર આપવામાં મદદ કરીશું.
આ સમીટનું આયોજન સ્વયંસેવી સંસ્થા કાર્નેજી ઇન્ડિયા અને વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. તેની થીમ ગ્લોબલ મીટ્સ લોકલ હતી.
તેમણે જણાવ્યું હતું કે આપણે જાણીએ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ કમ્પ્યૂટર સાથે પુષ્કળ લાભ આપણી રાહ જોઇ રહ્યાં છે. ટેકનોલોજીથી માનવતા સામેના કેટલાંક સૌથી મોટા પડકારોનો જવાબ શોધવામાં મદદ મળશે. તેનાથી મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હું આ વર્ષના પ્રારંભમાં એ બાબતે સંમત થયા હતા કે ટેકનોલોજી અને તેની ભૂમિકા આગામી દાયકાને આકાર આપવામાં મદદ કરે તે પહેલા આપણે સાથે મળીને કામ કરવું જોઇએ. ગ્લોસગોમાં વડાપ્રધાન મોદી સાથે બેઠકના આશરે એક મહિના પછી જોન્સને આ ટીપ્પણી કરી છે. આ બેઠકમાં બંને નેતાઓએ ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એન્ડ ક્લિન ટેકનોલોજી, ઇકોનોમી અને ડિફેન્સ જેવા ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકારને વધારવાના રસ્તાની ચર્ચા કરી હતી.