કોરોના મહામારી વચ્ચે દેશમાં બેન્કિંગ ફ્રોડની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 2021-22ના નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં વિવિધ બેન્કિંગ વ્યવહારોમાં ફ્રોડની સંખ્યા વધીને 4,071 થઈ છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 3,499 હતી, એમ રિઝર્વ બેન્કના એક અહેવાલમાં જણાવાયું હતું.
ભારતમાં બેન્કિંગના ટ્રેન્ડ અને પ્રગતિ અંગેના રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ના 2020-21ના અહેવાલમાં જણાવાયું છે કે જોકે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં બેન્કિંગ ફ્રોડમાં સંકડાયેલી રકમ ઘટીને રૂ.36,342 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ.64,261 કરોડ હતી.
2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં બેન્કોમાં લોન સંબંધિત રૂ.35,060 કરોડના 1,802 ફ્રોડ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત કાર્ડ-ઇન્ટરનેટ સાથે જોડાયેલી ફ્રોડના કેસની સંખ્યા 1,532 કેસ રહી હતી. આવા ફ્રોડ કુલ રૂ.60 કરોડના હતા.ડિપોઝિટના સંદર્ભમાં 208 ફ્રોડ કેસ નોંધાયા હતા, જેમાં રૂ.362 કરોડની રકમ સંકળાયેલી હતી.
આરબીઆઇના અહેવાલમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં કુલ ફ્રોડ કેસમાંથી અડધાથી વધુ કેસ ખાનગી બેન્કોમાં થયા હતા. જોકે મૂલ્યના સંદર્ભમાં સરકારી બેન્કોમાં વધુ ફ્રોડ થયા હતા. આ ઉપરાંત લોન સંબંધિત મોટાભાગના કેસો સરકારી બેન્કોમાં થયા હતા, જ્યારે કાર્ડ, ઇન્ટરનેટ અને કેશ સંબંધિત ફોડના કેસો ખાનગી બેન્કોમાં વધુ થયા હતા.
2020-21ના અગાઉના નાણાકીય વર્ષમાં નોંધાયેલા ફ્રોડની સંખ્યા અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ઘટીને રૂ.7,363 (રૂ.1,38,422 કરોડ) થયા હતા. અગાઉના વર્ષમાં 8,703 ફ્રોડ કેસ નોંધાયા હતા. મૂલ્યના સંદર્ભમાં જોઇએ તો મોટા ભાગના કેસો 2020-21માં થયેલા હતા, પરંતુ તે અગાઉ સમયગાળામાં થયેલા હતા. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં થયેલા ફ્રોડના કુલ કેસોમાંથી 34.6 ટકા કેસો ઇન્ટરનેટ ટ્રાન્ઝેક્શન સંબંધિત હતા.