REUTERS/Hemanshi Kamani/File Photo

બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (RRVL)એ યુકે સ્થિત ફેસજીમનો લઘુમતી હિસ્સો ખરીદવાની ગુરુવાર, 3 જુલાઈએ જાહેરાત કરી હતી. આ સોદાની રકમ જાહેર કરાઈ નથી. રિલાયન્સ આ સોદાના ભાગરૂપે ભારતમાં આ ફેશિયલ ફિટનેસ અને સ્કિનકેર બ્રાન્ડ લોન્ચ કરશે.

કંપનીએ જણાવ્યું હતું કે આ રોકાણ ઝડપથી વૃદ્ધિ નોંધાવતા બ્યૂટી એન્ડ વેલનેસ ક્ષેત્રમાં વિસ્તરણના ભાગરૂપે કરાયું છે. ફેશિયલ વર્કઆઉટ બ્રાન્ડ ફેસજીમની સ્થાપના ફાઇનાન્શિયલ ટાઇમ્સના ભૂતપૂર્વ પત્રકાર ઇન્ગે થેરોને કરી હતી, જેનો પહેલો આઉટલેટ 2014માં લંડનના સેલ્ફ્રીજમાં ખુલ્યો હતો. ફેસજીમે શસ્ત્રક્રિયા વગરના ફેશિયલ વર્કઆઉટ્સને અદ્યતન સ્કિનકેર ફોર્મ્યુલેશન્સ સાથે જોડીને સ્કિનકેર માટે એક પરિવર્તનકારી અભિગમ અપનાવ્યો છે. ઘણા વૈશ્વિક બજારોમાં મોટી લોકપ્રિયતા ધરાવતું ફેસજીમ બ્યુટી, વેલનેસ અને ફિટનેસના સંગમ પર એક નવી કેટેગરી બનાવવા માટે વ્યાપકપણે ઓળખાય છે.

રિલાયન્સ આગામી પાંચ વર્ષમાં ભારતમાં ફેસજીમની હાજરી સ્થાપિત કરશે અને તેનું વિસ્તરણ કરશે. આ વિસ્તરણ રિલાયન્સની મજબૂત રિટેલ ઇકોસિસ્ટમ, બજાર નિપુણતા અને ઊંડી ગ્રાહક સમજણનો લાભ ઉઠાવશે, જેથી ઝડપથી વિકસતા બ્યુટી સેગમેન્ટમાં ફેસજીમની અનન્ય સેવાને રજૂ કરી શકાય અને તેનું વિસ્તરણ કરી શકાય.

 

LEAVE A REPLY