કોરોના મહામારીમાં ઓમિક્રોન વેરિયન્ટ રૂપી રૂપેરી કોર હોવા અંગે વિશ્વના શ્રેણીબદ્ધ અભ્યાસમાં પુષ્ટી મળી છે. ઓમિક્રોનના કેસોમાં ઉછાળો આવ્યો હોવા છતાં ગંભીર બિમારી અને હોસ્પિટલાઇઝેશનમાં વધારો થયો નથી. કેટલાંક વૈજ્ઞાનિકો માને છે કે આ ડેટા મહામારીના નવા અને ઓછા ચિંતાજનક અધ્યાયનો સંકેત છે.
યુનિવર્સિટી ઓફ ફેલિફોર્નિયાના ઇમ્યુનોલોજિસ્ટ મોનિકા ગાંધીએ જણાવ્યું હતું કે “આપણે હવે સંપૂર્ણપણે અલગ તબક્કામાં છીએ. વાયરસ હંમેશા આપણી સાથે રહેશે, પરંતુ મને આશા છે કે આ વેરિયન્ટ એટલી બધી ઇમ્યુનિટીનું સર્જન કરશે કે જેનાથી આ મહામારીનો અંત આવશે.
આશરે એક મહિના પહેલા સાઉથ આફ્રિકામાં ઓમિક્રોન વેરિયન્ટ શોધાયો હતો, પરંતુ છેલ્લાં એક સપ્તાહના ડેટા દર્શાવે છે કે વ્યાપક ઇમ્યુનિટી અને અને સંખ્યાબંધ મ્યુટેશનના મિશ્રણથી એક એવો વાઇરસ બન્યો છે કે જે ઘણી ઓછી ગંભીર બિમારી લાવે છે. સાઉથ આફ્રિકાના એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે આફ્રિકામાં ઓમિક્રોન આધારિત ચોથી લહેરમાં હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીમાં ગંભીર બિમારીની શક્યતા ડેલ્ટા આધારિત ત્રીજી લહેરના દર્દી કરતાં 73 ટકા ઓછી હતી. યુનિવર્સિટી ઓફ કેપ ટાઉનના ઇમ્યુનોલોજિસ્ટ વેન્ડી બર્ગર્સે જણાવ્યું હતું કે હોસ્પિટલાઇઝેશન અને કેસોની સંખ્યા વચ્ચે હવે કોઇ સહસંબંધ ન હોવાના નક્કર ડેટા છે.
છેલ્લાં એક સપ્તાહના અલગ અલગ પાંચ અભ્યાસમાં દર્શાવ્યું છે કે ઓમિક્રોન અગાઉના વેરિયન્ટની જેમ સરળતાથી ફેફસાં સુધી પહોંચતો નથી. સામાન્ય રીતે વાઇરસ ફેફસાંમાં પહોંચે ત્યારે દર્દીની તબિયત ગંભીર થાય છે. જાપાન અને અમેરિકાના વૈજ્ઞાનિકોના એક મોટા કોન્સોર્ટિયમના અભ્યાસ મુજબ ઓમિક્રોનગ્રસ્ત હેમ્સ્ટર અને ઉંદરમાં ફેફસાંને ઘણું ઓછું નુકસાન થયું હતું અને અગાઉના વેરિયન્ટની તુલનાએ મોતની સંખ્યા ઓછી હતી.