વિદેશ
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ રવિવાર, 9 નવેમ્બરે અમદાવાદથી ISIS સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ ત્રાસવાદીઓએ દેશભરમાં આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યાં હતાં.

ગુજરાત એટીએસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા વ્યક્તિઓ છેલ્લાં એક વર્ષથી તેમના રડાર પર હતાં અને તેઓ હથિયારો સપ્લાય કરવાની પ્રક્રિયામાં હતાં ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.આતંકવાદીઓ શસ્ત્રોની આપ-લે કરવા માટે ગુજરાત આવ્યાં હતાં અને દેશભરમાં અનેક સ્થળોએ હુમલાઓનું આયોજન કરી રહ્યા હોવાનાં અહેવાલ છે. ધરપકડ કરાયેલા ત્રણ શંકાસ્પદો બે અલગ-અલગ મોડ્યુલના છે અને સંભવિત લક્ષ્યો અને સ્થળોને ઓળખવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે જ્યાં તેઓ હુમલાઓને અંજામ આપવાનો ઇરાદો ધરાવતા હતાં.

ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે ATS ટીમે 7 નવેમ્બરના રોજ તેલંગાણાના હૈદરાબાદના રહેવાસી ડૉ. અહેમદ મોહ્યુદ્દીન સૈયદની ગાંધીનગરના અડાલજ નજીક બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ, 30 જીવંત કારતૂસ અને ચાર લિટર એરંડા તેલ સાથે ધરપકડ કરી હતી.પૂછપરછમાં, સૈયદે ખુલાસો કર્યો કે તે આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો અને તેણે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે એકાંત સ્થળેથી શસ્ત્રો એકત્રિત કર્યા હતા.સૈયદનો હેન્ડલર, અબુ ખાદીજા, અફઘાનિસ્તાનનો રહેવાસી હતો અને ISKP (ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત) સાથે સંકળાયેલો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે, અન્ય આરોપીઓ, આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ, બંને ઉત્તર પ્રદેશના રહેવાસી છે, તેમની બનાસકાંઠા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી.

અધિકારીઓએ પુષ્ટિ આપી કે હાલમાં તપાસ ચાલી રહી છે, અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.આ વર્ષની શરૂઆતમાં ગુજરાત ATSએ આતંકવાદી સંગઠન અલ-કાયદા (AQIS)ના પાંચ સભ્યોની ધરપકડ કરી હતી, જેમાં બેંગલુરુની એક મહિલાનો પણ સમાવેશ થાય છે જે કથિત રીતે પાકિસ્તાની હેન્ડલરોના સંબંધો સાથે ઓનલાઈન આતંકવાદી મોડ્યુલ ચલાવી રહી હતી.

LEAVE A REPLY