ગુજરાતમાં ચાલુ વર્ષે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં પડેલા કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર, 7 નવેમ્બરે રૂ.10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ વર્ષે કમોસમી વરસાદને કારણે આશરે ૪૨ લાખ હેક્ટર ખેતીની જમીન પરના પાકને નુકસાન થયું હતું, જેના કારણે સરકારે અત્યાર સુધીના સૌથી મોટા રાહત પેકેજની જાહેરાત કરી હતી.
સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરતાં મુખ્યપ્રધાન જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં ક્યારેય ન પડેલા અભૂતપૂર્વ કમોસમી વરસાદને કારણે આ વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોના પાકને નોંધપાત્ર નુકસાન થયું છે. આ સંદર્ભમાં, મેં અને મારા સાથી પ્રધાનાઓએ વિવિધ જિલ્લાઓની મુલાકાત લીધી છે અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે સીધી વાતચીત કરી છે જેથી તેમની પરિસ્થિતિ સમજી શકાય. કુદરતી આફતની આ ઘડીમાં, રાજ્ય સરકાર ધરતીપુત્રોની સાથે સંપૂર્ણ સહાનુભૂતિ સાથે ઉભી છે, તેમની તકલીફ સમજી રહી છે.
મુખ્યપ્રધાનને વધુમાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં પાકના નુકસાનનો સામનો કરતા ખેડૂતોની લાગણીઓને ધ્યાનમાં રાખીને, હું રાજ્ય સરકાર તરફથી ધરતીપુત્રો માટે આશરે રૂ.૧૦,૦૦૦ કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત, રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મકાઈ, તુવેર અને સોયાબીન ખરીદશે, જેની કુલ કિંમત ૧૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ થશે. રાજ્ય સરકાર હંમેશા અન્નદાતાની આર્થિક સુખાકારીની જવાબદારી લેવા માટે પ્રતિબદ્ધ રહી છે, છે અને રહેશે.













