લેસ્ટર યુનિવર્સિટીના એકેડેમિક પ્રોફેસર કમલેશ ખુંટીને આરોગ્ય માટે તેમની સેવાઓ માટે CBE, અભિનેતા નીતિન ગણાત્રાને અભિનય ઉપરાંત સાથે સંકળાયેલા સખાવતી કાર્યો માટે OBE, મહેન્દ્ર પટેલને તેમની સામુદાયીક સેવાઓ માટે OBE એનાયત કરવા સહિત ઘણા બ્રિટિશ એશિયનોને 31 ડીસેમ્બરની રાત્રે સન્માનીત ઘોષીત કરવામાં આવ્યા હતા. તેમની સાથે એશિયન સમુદાયના ક્રોસબેંચ પીઅર લોર્ડ કક્કરને નાઈટહુડથી, માનવાધિકાર પ્રચારક અને આતંકવાદ વિરોધી કમિશનર સારા ખાનને ડેમહુડ, બાળકોના કાર્ડિયોલોજીના પ્રોફેસર શકીલ અહેમદ કુરેશીને નાઈટહુડનું બહુમાન આપવામાં આવ્યું હતું.
ઈંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હીટી અને મુખ્ય સરકારી વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વેલેન્સને રોગચાળામાં તેમના પ્રયત્નો માટે KCB (નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ બાથ), ડેપ્યુટી મેડિકલ ઓફિસર ડૉ. જેન્ની હેરીસને ડેમહૂડ અને પ્રોફેસર જોનાથન વેન-ટેમને નાઈટહૂડનું બહુમાન આપવામાં આવ્યું છે. બ્રોડકાસ્ટર અને ઇક્વાલિટી એન્ડ હ્યુમન રાઇટ્સ કમિશનના સ્થાપક અધ્યક્ષ, ટ્રેવર ફિલિપ્સને નાઈટહૂડ અને ઓફિસ ફોર હેલ્થ ઇમ્પ્રૂવમેન્ટ એન્ડ ડિસ્પેરિટીઝના રીજનલ ડાયરેક્ટર કેવિન ફેન્ટને CBE તરીકે સન્માનવામાં આવ્યા હતા.
માન્યતા પ્રાપ્ત અન્ય લોકોમાં પ્રોફેસર રવિ પ્રકાશ મહાજનને એનેસ્થેસિયાની સેવાઓ માટે CBE; KPMG UK માં વેપાર અને રોકાણ માટેની સેવાઓ અને મહિલા સાહસિકોના વિભાગના વડા બીના મહેતાને MBE અને મહિલા વિકલાંગ એથ્લેટ્સને સમર્થન આપતી ચેરિટી પાથ ટુ સક્સેસના અનિતા ચૌધરીને MBE એનાયત કરાયો હતો.
રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીના એજ્યુકેશન, આઉટરીચ અને ડાયવર્સિટી ઓફિસર ડૉ. શીલા કાનાણીને ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં વિવિધતા પ્રત્યેની તેમની સેવાઓને માન્યતા આપવા બદલ MBE એનાયત કરવામાં આવ્યો છે. શીલાએ એસ્ટ્રોનોમી અને રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી માટે એક મોટી સંપત્તિ છે. તેણીએ સાર્વજનિક જોડાણમાં મોટું યોગદાન આપ્યું છે.
વડા પ્રધાન બોરિસ જૉન્સને કહ્યુ હતું કે “આ સન્માન પ્રાપ્તકર્તાઓએ અમને પ્રેરણા અને મનોરંજન આપ્યું છે અને યુકેમાં અથવા વિશ્વભરના ઘણા કિસ્સાઓમાં તેમના સમુદાયોને ઘણું આપ્યું છે. આ સન્માન તેમના સમર્પણ અને ઉત્કૃષ્ટ યોગદાન માટે એક દેશ તરીકે તેમનો આભાર માનવાની તક છે.”
મહારાણીના જન્મ દિને અને નૂતન વર્ષે એમ બે વાર સન્માન સૂચિ જાહેર કરી સમાજ સેવામાં તેમજ પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર લોકોની સિદ્ધિઓ અને સેવાઓની સરાહના કરવામાં આવે છે.
નવા વર્ષના ઓનર્સ લિસ્ટમાં રમતગમતના તમામ પાસાઓ સાથે સંકળાયેલા લોકોને, પર્યાવરણ માટે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા લોકોને અને કોમ્યુનિટસ્પોર્ટીમાં અદભૂત સેવા આપનારા લોકોને સનમાન અપાયું હતું. 78 ઓલિમ્પિયન્સ અને પેરાલિમ્પિયન્સને તેમની રમતગમતની સેવાઓ માટે સન્માનિત કરવામાં આવ્યા છે.
નવા વર્ષની ઓનર લિસ્ટના 63 ટકા લોકોને સમુદાયના કાર્ય માટે સન્માન એનાયત કરવામાં આવ્યા છે. સન્માન મેળવનારાઓમાં સૌથી નાની વય અનુક્રમે 11 અને 12 વર્ષના ટોબિઆસ વેલર અને મેક્સ વૂસી નામના બાળકોની છે જેમણે કોવુડ-19 રોગચાળા દરમિયાન તેમના વિશાળ ભંડોળ એકત્ર કરવાના પ્રયત્નો માટે BEM મેળવ્યો છે. જ્યારે સૌથી વૃદ્ધ વ્યક્તિ 102 વર્ષના હેનરી લુઈસ છે જેઓ મેજીશીયન સોસાયટી – ધ મેજિક સર્કલના માનદ ઉપાધ્યક્ષ છે અને ભંડોળ ઊભુ કરવા અને સખાવતી કાર્યો માટે માટે MBE મેળવ્યો છે.