સિંગાપોરમાં ટેક સપોર્ટ સ્કેમમાં સંડોવણી બદલ ભારતીય મૂળના ત્રણ નાગરિકોને જેલની સજા થઇ છે તેવું અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ ત્રણેય શરૂઆતમાં અભ્યાસના હેતુ માટે સિંગાપોર ગયા હતા.
સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ અખબારના અહેવાલ મુજબ 24 વર્ષીય નંદી નિલાદરીને 18 મહિનાની જેલ સજા થઇ છે, તે પેમેન્ટ સર્વિસીઝ એક્ટ હેઠળ ત્રણ ગુનામાં અને કોર્ટની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાના એક ગુનામાં દોષિત ઠર્યો હતો. તેણે 30,500 સિંગાપોર ડોલરની ઉચાપત કરી હતી.
જ્યારે અન્ય 23 વર્ષીય આકાશદીપ સિંઘને કુલ 118,000 ડોલરથી વધુ રકમની ઉચાપતના ત્રણ ગુના સહિત આ એક્ટ હેઠળ એક વર્ષની જેલ સજા થઇ છે. ત્રીજા 24 વર્ષીય આરોપી ગિરી દેબજીતને આ એક્ટ હેઠળના 2 ગુનામાં દોષિત થવા બદલ સાત મહિનાની જેલ સજા ફટકારવામાં આવી છે. તેને કુલ 61 હજાર સિંગાપોર ડોલરથી વધુની રકમ અનેક પ્રકારના ઇનવર્ડ ટ્રાન્સફરથી પ્રાપ્ત થઇ હતી. ગિરી અને નંદી વર્ષ 2019માં સિંગાપોરમાં અભ્યાસ કરવા માટે આવ્યા હતા, જ્યારે આકાશ તેના પછીના વર્ષે આવ્યો હતો. તેઓ કઇ કોલેજમાં અભ્યાસ કરતા હતા તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. તેઓ આ કેસ સાથે સંબંધિત છેલ્લા આરોપીઓ હતા જેમની સામે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
તેમના સાથીદારો, 22 વર્ષીય તીર્થ સિંઘ સહિત 23 વર્ષીય તેનઝિંગ ઉગયેન લામા શેરપા, 24 વર્ષીય મુખરજી સુકન્યા, 26 વર્ષીય જસપ્રીત સિંઘને અગાઉ કોર્ટે સજા જાહેર કરી હતી તેવું અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
સિંગાપોર પોલીસ ફોર્સના એક નિવેદન મુજબ, આ ગ્રૂપને એક ટ્રાન્સનેશનલ ક્રિમિનલ સિન્ડિકેટ દ્વારા આવકને જાળવી રાખવા સાથે સંબંધિત આરોપોનો સામનો કરવો પડ્યો હતો, જે ‘ટેક સપોર્ટ સ્કેમ્સ’ને અંજામ આપી રહ્યું હતું.
વર્ષ 2020માં, તેનઝિંગે ગિરી અને નંદીને મની લોન્ડરિંગ સ્કીમ અંગે જણાવ્યું હતું, જેમાં ભાગ લેનારાઓને રોકડ મેળવવા માટે તેમના બેંક ખાતાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
અખબારી અહેવાલમાં જણાવ્યા મુજબ, આ ત્રણેયને તેમના બેંક એકાઉન્ટ્સમાં રોકડ મળી હતી, અને પછી તેમણે તેને તેઓને તેમના સાથીદારોને તે રકમ ટ્રાન્સફર કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે 16 સપ્ટેમ્બર, 2020 ના રોજ, સિંગાપોરના કોમર્શિયલ અફેર્સ ડિપાર્ટમેન્ટ (CAD) ને કેનેડામાંથી એક પીડિતની ફરિયાદ મળી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આ કૌભાંડનો શિકાર બન્યા પછી 12,500 ડોલરથી વધુ નાણા ગુમાવ્યા છે.