અમેરિકાના પૂર્વ દરિયાકાંઠે સોમવારે ત્રાટકેલું શક્તિશાળી વિન્ટર સ્ટોર્મ કેનેડા તરફ આગળ આગળ વધ્યું હતું. જોકે આ પહેલા નોર્થ અમેરિકા બરફની સફેદ ચાદરમાં ઢંકાઈ ગયું અને અનેક મકાનમાં વીજળી ગૂલ થઈ હતી. આ શિયાળુ તોફાનથી સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. અમેરિકામાં સોમવારની બપોર સુધીમાં આશરે 120,000 ઘરોમાં વીજળી સપ્લાય ખોરવાયો હતે અને મંગળવારની સાંજ સુધી આવી સ્થિતિ રહેવાની શક્યતા હતી.
વિન્ટર સ્ટોર્મથી ખાસ કરીને વેસ્ટ વર્જિનિયા તથા નોર્થ અને સાઉથ કેરોલિના અને જ્યોર્જિયામાં વીજળી ગૂલ થઈ હતી. સોમવારની સાંજ સુધીમાં અમેરિકામાંથી ઉપડતી અને આવતી આશરે 1,700 ફ્લાઇટ કેન્સલ થઈ હતી. અગાઉના દિવસે આશરે 3,000 ફ્લાઇટ રદ કરાઈ હતી, એમ ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટઅવેરમાં જણાવાયું હતું.
કેનેડા સરકારની વેબસાઇટમાં જણાવ્યું હતું કે ક્યુબેક અને ઓન્ટારિયોના મોટાભાગના વિસ્તારો ભારે પવન અને બરફવર્ષના તોફાનનો શિકાર બન્યા હતા. સરકારે ખરાબ હવામાનની વોર્નિંગ આપતા જણાવ્યું હતું કે ટોરોન્ટોમાં બે ફૂટ (60 સેન્ટિમેન્ટર) બરફ પડી શકે છે, જે શહેર માટે ઐતિહાસિક સ્ટોર્મ છે. ક્યુબેક અને ટોરોન્ટો સહિતના ઓન્ટારિયોના દક્ષિણ વિસ્તારમાં ઘણી સ્કૂલો બંધ રહી હતી અને સ્કૂલ બસો બંધ કરાઈ હતી.
સોમવારે અમેરિકામાં જાહેર રજા હતી, તેથી મોટાભાગની સ્કૂલો અને બિઝનેસ બંધ રહ્યા હતા. યુએસ નેશનલ વેધર સર્વિસે અગાઉ જણાવ્યું હતું કે સ્ટોર્મ આજે હળવું પડવાની શક્યતા છે, પરંતુ ન્યૂ યોર્ક અને ન્યૂ ઇંગ્લેન્ડમાં સાંજ સુધી બફર વર્ષા ચાલુ રહેશે. ઓહાયો રાજ્યના એશ્ટાબુલામાં સૌથી વધુ બરફવર્ષા થઈ હતી.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર બરફના તોફાન, વિનાશક પૂર, વાવાવોઝુ અને હીટ વેવ જેવી હવામાનની આપત્તિ માટે ક્લાઇમેટ ચેન્જ જવાબદાર હોઇ શકે છે.અમેરિકાના દક્ષિણી રાજ્ય આર્કાન્સાસથી ક્યુબેક સુધીના રસ્તા પર ડ્રાઇવિંગ મુશ્કેલ બન્યું હતું અને વાહનવ્યવહાર ખોરવાઈ હતી. નોર્થ કેરોલિનામાં બિઝી આઇ-95 ઇન્ટરસ્ટેટ હાઇવેનો એક ભાગ બંધ કરવામાં આવ્યો હતો. ટોરોન્ટોમાં પોલીસે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે વિન્ટર સ્ટોર્મને કારણે હાઇવેના બે સેક્શન બંધ કરવામાં આવ્યા હતા. પોલીસે ખૂબ જ જરૂરી ન હોય તો ડ્રાઇવર્સને ઘેર રહેવાની સૂચના આપી હતી.
ક્યુબેકના પરિવહન મંત્રાલયે સોમવારે સવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બરફવર્ષાને અનેક કારે રસ્તા પર અટકી જઈને વિન્ડશીલ્ડ સાફ કરવી પડી હતી.