વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 21 જાન્યુઆરીએ ભારતવર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ. 30.55 કરોડના ખર્ચે નવનિર્મિત આલિશાન અતિથિગૃહનો વર્ય્યુઅલ પ્રારંભ કરાવ્યો છે.
આ પ્રસંગે તેમણે સંબોધન કરતા જણાવ્યું કે, યાત્રાળુઓને સર્કિટ હાઉસમાંથી સમુદ્ર કિનારો અને સોમનાથ મંદિરના દર્શન પણ થશે. 1 કરોડ શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિરમાં શીશ ઝુકાવવા આવે છે અને સાથે ઘણી બધી યાદોને લઈને જતા હોય છે. જેથી આવનાર સમયમાં સોમનાથ ટુરિસ્ટ પોઇન્ટ બની જશે
તેમણે જણાવ્યું કે, ‘જીવ હી શિવ હૈ’ સૂત્રને સોમનાથ મંદિર ટ્રસ્ટે સાર્થક કર્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો દ્વારકા, સોમનાથ, કચ્છ, ધોળાવીરાની અચૂક યાદ આવી જાય છે. આ સાથે વિવિધ ધાર્મિક સ્થળનો મોદીએ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમણે છેલ્લા 7 વર્ષમાં સરકાર દ્વારા પર્યટન ક્ષેત્રમાં હરળફાળ વિકાસ કરવા બદલ રાજ્ય સરકારને અભિનંદન પણ પાઠવ્યા હતા.
આ આલિશાન ચાર મંજિલ અતિથિગૃહ કુલ 15000 ટો.મી એરિયામાં ફેલાયેલું છે. જેનો કુલ કાર્પેટ એરિયા 7077 ચોમી છે. અદ્યતન સુવિધા સાથેના આ સરકીટ હાઉસમાં 2 વીવીઆઈપી સ્ટૂય રૂમ, 8 વીવીઆઈપી રૂમ, 8 વીઆઈપી રૂમ 24 ડીલક્ષ રૂમ સાથે કિચન, જનરલ અને વીઆઈપી ડાઈનિંગ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ રૂમ અને 200 લોકોને સમાવતો ઓડિટોરિયમ હોલ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે.