ભારતના પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરીએ વિશ્વના ઘણા દેશોમાં ખાલિસ્તાન સમર્થકોની રેલીઓમાં મહાત્મા ગાંધી અને ભારતના બંધારણનું અપમાન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે વિવાદ ઊભો થયો છે. અમેરિકાના વોશિંગ્ટનમાં ખાલિસ્તાનના સમર્થકોએ મહાત્મા ગાંધીની મૂર્તિ પર પોતાના ઝંડો લપેટ્યો હતો. આ મુદ્દે ભારત સરકારે આકરું વલણ અપનાવીને માગણી કરી છે કે આ દેશોએ ખાલિસ્તાન સમર્થકો સામે કડક કાર્યવાહી થવી જોઇએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વોશિંગ્ટન ડીસીમાં ગાંધીની પ્રતિમાને અપવિત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમે સંબંધિત દેશોની સરકાર સમક્ષ આ મુદ્દે ઉઠાવ્યો છે અને કાર્યવાહીની માગણી કરી છે.
ખાલિસ્તાન સમર્થકોએ 26 જાન્યુઆરીએ ઘણા દેશોમાં રેલીઓ કાઢી હતી. લંડનમાં ભારતીય હાઇકમિશન ઓફિસની બહાર ભારતના બંધારણ અને ધ્વજની નકલને આગ ચાંપવામાં આવી હતી. અમેરિકાના વોશિંગ્ટનમાં ખાલિસ્તાનના સમર્થકોએ મહાત્મા ગાંધીની મૂર્તિ પર પોતાના ઝંડો લપેટ્યો હતો. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર લંડન ઉપરાંત કેનેડા, અમેરિકાના વોશિંગ્ટન, ઇટલીના મિલાનમાં પણ આવી ઘટનાઓ બની હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ખાલિસ્તાન સમર્થકોની આવા કૃત્યો પર ભારતની ચાંપતી નજર છે.
ખાલિસ્તાની આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસે એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ જેઠમલાણીને ધમકી આપતો ફોન કર્યો હતો. આ સંગઠનના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુએ ધમકી આપી હતી કે સુપ્રીમ કોર્ટમાં ખાલિસ્તાન ઝંડો લહેરાવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે અમે એક દિવસ દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચી જઈશું અને સુપ્રીમ કોર્ટમાં અમારો ઝંડો ફરકાવીશું.