ચીન અને પાકિસ્તાન તરફથી ઊભા થઈ રહેલા રાષ્ટ્રીય સુરક્ષાના પડકારોને આડકતરો ઉલ્લેખ કરતાં ભારતના લશ્કરી વડા જનરલ એમ એમ નરવણે જણાવ્યું હતું કે ભારત ભાવિ સંઘર્ષના ટ્રેલર્સ જોઇ રહ્યું છે અને દેશના દુશ્મનો પોતાના વ્યૂહાત્મક ઇરાદા હાંસલ કરવાના પ્રયાસો ચાલુ રાખશે.
એક સેમિનારમાં સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે ભારત અજોડ, મોટા અને બહુસ્તરીય સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યું છે અને ઉત્તર ભારતની સરહદો પરની ગતિવિધિ દર્શાવે છે કે દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતાની જાળવી માટે આધુનિક ટેકનોલોજી સાથે લશ્કરી દળોને સજ્જ અને સક્ષમ રાખવાની જરૂર છે.
ચીન અને પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યા વગર જનરલ નરવણેએ જણાવ્યું હતું કે પરમાણુ ક્ષમતા ધરાવતા પડોશી સાથે સરહદના વિવાદો અને પડોશી દેશ પ્રેરિત પ્રોક્સી વોર સુરક્ષાતંત્ર અને સંશાધનો પર વધુ બોજ નાંખી રહ્યાં છે. આર્મી તેના દળોના પુનર્ગઠન, પુનઃસંતુલન અને પુનઃ દિશાનિર્દેશ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે અને આ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તથા ત્રણેય લશ્કરીય દળોના સંકલનની પહેલ માટે આર્મી પ્રતિબદ્ધ છે.
તેમણે જણાવ્યું હતું કે “આપણે ભાવિ સંઘર્ષના ટ્રેલર્સ જોઇ રહ્યાં છીએ. યુદ્ધના મેદાનો, નેટવર્ક અને સાઇબરસ્પેસમાં દરરોજ તેનું પ્રદર્શન થઈ રહ્યું છે. તેઓ વિવાદી અને સક્રિય બોર્ડર્સ પર ભૂમિકા ભજવી રહ્યાં છે. આપણે આ ટ્રેલર્સ આધારે આવતીકાલના યુદ્ધના મેદાનોની રૂપરેખાની અત્યારે કલ્પના કરવાની છે.જો તમે આજુબાજુ નજર કરશો તો તમને હાલની વાસ્તવિકતાનો અનુભવ થશે.
સેન્ટર ફોર લેન્ડ વોરફેર સ્ટુડીઝ (CLAWS)એ આયોજિત કરેલા આ સેમિનારમાં હવાઇદળના વડા વી આર ચૌધરી, નેવી ચીફ એડમિરલ આર હરીકુમાર અને કેટલાંક દેશોની સુરક્ષા અધિકારીઓએ હાજર રહ્યાં હતા.
આર્મી વડાએ જણાવ્યું હતું કે ભારતના દુશ્મનો તેમના હેતુઓ હાંસલ કરવા તેમના પ્રયાસો ચાલુ રાખશે. તેઓ રાજકીય, મિલિટરી અને આર્થિક ક્ષેત્રમાં ગ્રે ઝોન પ્રવત્તિઓનો ઉપયોગ કરીને આવા સંઘર્ષ કરે છે. લડાખ મોરચે સંઘર્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે 2020નો ઘટનાક્રમ તમામ સ્તરે સુરક્ષા સામેના વિવિધ જોખમનો પુરાવો છે અને તેનાથી સંપર્કવિહોણા અને ગ્રે ઝોન વોરફેરનો મુદ્દો પણ બહાર આવ્યા છે. આપણે યુદ્ધ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને માધ્યમો માટે આપણી ક્ષમતામાં વધારો કરવો પડશે.