નાણાપ્રધાન નિર્મલા સીતારમણએ ગુરુવારે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીની મારથી નાણાકીય વર્ષ 2020-21માં દેશના જીડીપીમાં 9.57 લાખ કરોડ રૂપિયાનો ભારે ઘટાડો આવ્યો. સીતારમણે નાણાકીય વર્ષ 2022-23ના બજેટ પર લોકસભામાં ચાલેલી ચર્ચાનો જવાબ આપતા આ માહિતી આપી હતી.
સીતારમણે કહ્યું કે, ‘અમૃતકાળ’ની તરફ વધવા માટે નરેન્દ્ર મોદી સરકારએ ઘણા પગલાં ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘આજે જનધન યોજનાના કારણે બધા ભારતીય નાણાકીય વ્યવસ્થાઓ સાથે જોડાયા છે અને આ ખાતામાં 1.57 લાખ કરોડ રૂપિયા જમા છે. તેમાં 55.6 ટકા ખાતા મહિલાઓના છે.’
તેમણે કહ્યું કે, દેશમાં 2020-21માં 44 યુનિકોર્ન (એક અબજ ડોલરથી વધુના મૂલ્યાંકનવાળી કંપનીઓ) બની જે ‘અમૃતકાળ’નો જ સંકેત છે. તેમણે કહ્યું કે, દેશમાં રોજગારની સ્થિતિમાં હવે સુધારાનો સંકેત મળી રહ્યો છે. શહેરોમાં બેરોજગારી હવે કોવિડ પહેલાના સ્તર પર આવી ગઈ છે. તેમણે કહ્યું કે, વર્ષ 2015માં શરૂ કરાયેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1.2 કરોડ વધારાની રોજગારીની તકો ઊભી થઈ છે.