હોમ ઓફિસનો £2.55 બિલિયનનો કોન્ટ્રાક્ટ મેળવનાર માઇટીના CEOએ સ્ટાફ દ્વારા વોટ્સએપ પર કરાયેલા રેસીસ્ટ સંદેશાઓ બદલ વ્યક્તિગત રીતે હોમ સેક્રેટરીની માફી માંગી અને તપાસ શરૂ કરી છે.
માઇટીના ચીફ એક્ઝિક્યુટિવ, ફિલ બેંટલીએ જણાવ્યું હતું કે તેમણે પ્રીતિ પટેલને ખાતરી આપી હતી કે રેસીસ્ટ સંદેશાઓની તપાસ કરવામાં ‘કોઈ કસર છોડવામાં આવશે નહીં’.
સન્ડે મિરર દ્વારા જાહેર કરાયેલા સંદેશાઓમાં ચીની લોકો માટે અપમાનજનક સંદર્ભોનો સમાવેશ થતો હતો. માઇટીએ ગાર્ડિયન સમક્ષ કબૂલ્યું હતું કે તેને સંદેશાઓ વિશે બે વર્ષ પહેલાં ફરિયાદો મળી હતી પરંતુ તે અંગે પગલા લેવામાં નિષ્ફળ રહી હતી.
2019ના મધ્યમાં “એસ્કોર્ટ્સ મીટ એન્ડ ગ્રીટ” નામના 120 જેટલા સ્ટાફના મજબૂત સભ્યો પૈકીના કેટલાક માઇટી સ્ટાફ તરફથી રેસીસ્ટ પોસ્ટ કરાઇ હતી. જે ગૃપ તાજેતરમાં બંધ કરવામાં આવ્યું છે.
આ ગૃપમાં માર્ચ 2020માં પ્રથમ કોવિડ લોકડાઉન પછી બંધનું ચિહ્ન ધરાવતી બંધ ચાઇનીઝ રેસ્ટોરન્ટના ફોટાની નીચે એક ટિપ્પણી કરાઇ હતી કે “ક્લોઝ્ડ ડ્યુ ટુ સ્લેંટી આઇડ કન્ટ્સ’’. બીજી એક પોસ્ટમાં શેર કરાયેલા ડીંગીમાં બેસેલા માઇગ્રન્ટ્સને દર્શાવતા અન્ય એક ફોટામાં “ગેરી લીનેકરનું ઘર ક્યાં છે? તેવી કેપ્શન લખાઇ હતી.
એવું માનવામાં આવે છે કે વોટ્સએપના ખુલાસા બાદ સ્ટાફના આઠ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
માઇટી સરકારના ટોચના 40 વ્યૂહાત્મક સપ્લાયર્સમાંથી એક છે, જેના 2015 થી અત્યાર સુધીમાં 400 જાહેર ક્ષેત્રના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, જેની કિંમત £2.55 બિલિયન્સ છે.