સૌરાષ્ટ્રાના સૌથી મોટા માર્કેટ ગોંડલના યાર્ડમાં રવિવાર (3 એપ્રિલ)એ ફળોના રાજા ગણાતી કેસર કેરીનું આગમન થયું હતું. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે કેરી થોડી મોડી આવી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ગયા વર્ષે કેસર કેરીના 10 કિલોના બોક્સનો ભાવ 800થી લઈને 1400 રુપિયા હતા. પરંતુ આ વર્ષે 10 કિલોના બોક્સનો ભાવ 1200 રુપિયાથી 1750 સુધી પહોંચ્યો છે.
રાજ્યમાં તૌકતે વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે કેરીનો પાક પ્રભાવિત થયો હતો અને તેની અસર તેના ભાવ પર પણ જોવા મળી રહી છે.. વેપારીઓનું અનુમાન છે કે આ વર્ષે આખી સીઝન દરમિયાન કેસર કેરી પ્રમાણમાં મોંઘી રહેશે. કેરીની સિઝનની પ્રથમ આવક ઘણી સારી જોવા મળી હતી. ગોંડલ યાર્ડમાં આશરે 400થી વધારે કેરીના બોક્સ આવ્યા હતા. અહીં બામણાસા, બાબરીયા, ઉના, તાલાળા, જસાધાર, કંટાળા સહિતના વિસ્તારોથી કેસર કેરી આવી હતી. વેપારીઓના મત અનુસાર આવનારા સમયમાં કેરીની આવક વધશે. ગોંડલ યાર્ડને સૌરાષ્ટ્રનું નંબર વન શાકભાજી અને ફ્રૂટ માર્કેટ કહેવામાં આવે છે. અહીં જ્યારે કેસર કેરીની પ્રથમ હરાજી થઈ હતી તો વેપારીઓએ ખરીદવા માટે પડાપડી કરી હતી. કેરી પકવતા ખેડૂતોને પણ સારો એવો ભાવ મળ્યો હતો. કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે કે કમોસમી વરસાદ, વિવિધ રોગોને કારણે કેસર કેરીના પાકને ઘણું નુકસાન થયું છે. આ તમામ પરિબળોની અસર કેરીના ભાવ પર જોવા મળશે.