અમેરિકાના કેલિફોર્નિયામાં 3 એપ્રિલ 2022ના રોજ ગોલ્ડન-1 સેન્ટર એરિના નજીક વહેલી સવારે ગોળીબારની ઘટના બની હતી, જેમાં 6ના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા.REUTERS/Fred Greaves

અમેરિકાના કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં રવિવારની વહેલી સવારે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 6 લોકોનાં મોત નિપજ્યા હતા, જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સેક્રોમેન્ટો પોલીસે જણાવ્યું હતું કે ત્રણ પુરુષ અને ત્રણ મહિલાના મોત થયા હતા, જ્યારે બીજા 12 લોકો ઘાયલ થયા હતા. લોકોનું ટોળું બાર્સ અને નાઇટક્લબમાંથી બહાર આવી રહ્યાં હતા ત્યારે આ ઘટના બની હતી. પોલીસને આશંકા છે કે ઓછામાં ઓછા બે શુટર્સે ગોળીબાર ચાલુ કર્યો હતો. સોમવારની સવાર સુધી શંકાસ્પદની ધરપકડ થઈ ન હતી.

પોલીસ ચીફ કેથી લેસ્ટરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સેક્રામેન્ટોના પોલીસ ઓફિસર વહેલી સવારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમણે જે સ્ટ્રીટ બહાર ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. પોલીસ ઓફિસર ઘટનાસ્થળે પહોંચ્યા તો તેમણે જોયું કે, સ્ટ્રીટ ઉપર મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા અને છ લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 12 લોકોને ઈજા પહોંચતાં તેમને એમ્બ્યુલન્સ અને પ્રાઈવેટ વ્હીક્લ્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ ચીફ લેસ્ટરે જણાવ્યું કે, આ ખુબ જ ગૂંચવણભર્યો કેસ છે. અને આ સાથે તેઓએ સ્થાનિક લોકોને આ ગોળીબાર અંગે જાણકારી આપવા માટે પણ વિનંતી કરી હતી. શૂટરને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

સ્થાનિક મીડિયાના રીપોર્ટ્સ અનુસાર, અહીંના બાર્સ બંધ થવાની તૈયારીમાં હતા ત્યા ગોળીબાર શરૂ થયો હતો. સાક્ષીઓએ જણાવ્યું હતું કે, કારમાં સવાર એક વ્યક્તિએ ઓટોમેટિક ગન બહાર કાઢી હતી અને એલ સેન્ટો રેસ્ટોરન્ટ અને અલ્ટ્રાલોન્જની બહાર ઉભેલી ભીડ ઉપર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

સોશિયલ મીડિયામાં આ ગોળીબાર સમયના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ગોળીઓનો અવાજ સંભળાય છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર તેઓએ પચાસ જેટલી ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો. તે પછી કાર ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલાં એક વિડીયોમાં લોકો વચ્ચે બબાલ થતી જોવા મળી રહી છે. આ સમયે પાછળથી ગોળીબારનો અવાજ પણ સંભળાય છે અને લોકો જીવ બચાવવા ભાગતાં પણ જોવા મળી રહ્યા છે.