Parliament TV via REUTERS

વડા પ્રધાન બોરિસ જૉન્સને ગેરકાયદેસર પાર્ટીમાં હાજરી આપીને કોરોનાવાઇરસ પ્રતિબંધો તોડ્યા હતા કે કેમ અને જાણી જોઈને પાર્લામેન્ટને ગેરમાર્ગે દોરી હતી કે કેમ તેની તપાસની તરફેણમાં સંસદ સભ્યોએ ગુરૂવારે હાઉસ ઑફ કોમન્સમાં મતદાન કર્યા પછી બોરિસ જૉન્સને સંસદીય તપાસનો સામનો કરવો પડશે.

શાસક પક્ષે પ્રસ્તાવમાં વિલંબ કરવા માટે આયોજિત સુધારાને છોડી દીધા બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના એમપીઓએ કોમન્સમાં હાજરી ન આપતા વિપક્ષી લેબર પાર્ટી દ્વારા રજૂ કરાયેલ મત, ઔપચારિક મતની જરૂર વગર જ પસાર થયો હતો. સંસદીય નિયમો હેઠળ, UK સરકારના મિનિસ્ટર્સે જો જાણી જોઈને સાંસદોને ગેરમાર્ગે દોર્યા હોય તો તેમણે રાજીનામું આપવું પડે છે. જો તેઓ અજાણતામાં સંસદ સમક્ષ ખોટું કહે તો શક્ય તેટલી વહેલી તકે રેકોર્ડ સુધારવામાં આવે છે.

આ અંગે જૉન્સને અમદાવાદમાં કહ્યું હતું કે “જો વિરોધ પક્ષ આના પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તે વિશે વધુ વાત કરવા માંગે છે તો તે સારું છે પરંતુ હું. ભારત સાથેના વેપાર સંબંધોને વધારવા સહિત દેશના ભવિષ્ય માટે શું મહત્વનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગું છું.

યુકે કેબિનેટ ઓફિસ મિનિસ્ટર માઈકલ એલિસે જણાવ્યું હતું કે યુકેના પીએમએ કોમન્સને ગેરમાર્ગે દોરી નથી. વડા પ્રધાન હંમેશા સ્પષ્ટ રહ્યા છે અને સંસદને યોગ્ય લાગે તો કોઈપણ પૂછપરછનો સામનો કરવામાં ખુશ છે. તેમને ઇવેન્ટ બદલ ફિક્સ પેનલ્ટી નોટીસ મળી છે.”

લેબર લીડર કેર સ્ટાર્મરે કન્ઝર્વેટિવ સાંસદો પર “પ્રામાણિકતા અને અખંડિતતા”ના મૂલ્યો માટે ઊભા રહેવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો હતો. લેબરના ડેપ્યુટી લીડર એન્જેલા રેનરે વડા પ્રધાનને રાજીનામું આપવા માટેના કોલને પુનરોચ્ચાર કર્યો હતો.

આ મત માટે પાંચ કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઇ હતી.