Queen Elizabeth II is the world's oldest and longest-serving monarch
(Photo by Stuart C. Wilson/Getty Images)

બ્રિટન પર સૌથી લાંબા સમય સુધી 70 વર્ષ શાસન કરનાર મહારાણી તેમના જન્મદિવસની ઉજવણી કરતા નોર્ફોકમાં આવેલા તેમના સેન્ડ્રિંગહામ એસ્ટેટમાં જોવા મળ્યા હતા. મહારાણીએ ત્યાં ગુરૂવારે પોતાનો 96મો જન્મદિવસ ઉજવ્યો હતો. મહારાણી હેલિકોપ્ટર દ્વારા નોર્ફોક એસ્ટેટ ગયા હતા  જ્યાં તેમના પરિવારજનો અને મિત્રો જોડાયા હતા.

મહારાણી પોતાના એક વર્ષ પહેલાં મૃત્યુ પામેલા સ્વર્ગસ્થ પતિ, પ્રિન્સ ફિલિપને ખાસ ગમતી કોટેજમાં રહેશે એમ મનાય છે. જન્મદિવસ નિમિત્તે બહાર પાડવામાં આવેલા ફોટોગ્રાફમાં તેઓ બે ટટ્ટુઓ સાથે દેખાયા હતા જે ઘોડાઓમાં તેમની જીવનભરની ઋચિને પ્રતિબિંબિત કરે છે. તે ચિત્ર વિન્ડસર કાસલ ખાતે લેવાયું હતું અને મહારાણી હવે મોટે ભાગે ત્યાં જ રહે છે.

ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજે ટ્વિટર પર રાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી તેમને “યુકે, કોમનવેલ્થ અને વિશ્વભરના ઘણા લોકો માટે પ્રેરણારૂપ” ગણાવ્યા હતા.

જન્મદિવસની શુભેચ્છાઓ સાથે, બકિંગહામ પેલેસે 1928માં લેવાયેલી બે વર્ષની પ્રિન્સેસ એલિઝાબેથની તસવીરો ટ્વીટ કરી હતી.

પ્રિન્સ હેરીએ યુ.એસ.માં ટીવી ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મહારાણી કદાચ આ તાજેતરના માઇલસ્ટોનને ઓછું અનુભવી રહ્યા છે. કેમકે એક ચોક્કસ વય પછી તમે જન્મદિવસથી કંટાળી જાઓ છો”.

1952માં સિંહાસન પર આરૂઢ થનાર રાણીનો જન્મ 1926માં બ્રુટોન સ્ટ્રીટ, લંડન ખાતે આવેલા ટાઉનહાઉસમાં થયો હતો, જ્યાં તેઓ પ્રથમ તેમના પિતા અને માતા સાથે રહેતા હતા. જેઓ પછીથી કિંગ જ્યોર્જ VI અને રાણી એલિઝાબેથ બન્યા હતા.

વડા પ્રધાન બોરિસ જૉન્સન અને લેબર નેતા સર કેર સ્ટાર્મરે જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી અને સેનાએ બંદૂકો ફોડી સલામી આપી હતી. બકિંગહામ પેલેસની બહાર ગાર્ડ બદલતી વખતે ક્વીન્સ ગાર્ડે હેપ્પી બર્થ ડે ગીત વગાડ્યું હતું.

મહારાણીને તાજેતરના મહિનાઓમાં હરવાફરવાની સમસ્યાઓ હતી અને તે કારણે તેમને ઇસ્ટર પર્વે ચર્ચ સર્વિસ સહિતના સંખ્યાબંધ કાર્યક3મો દરમિયાન ગેરહાજર રહેવું પડ્યું હતું. આ વર્ષે તેઓ પોતાના રહેઠાણની બહાર અથવા વિડિયો પર તથા વેસ્ટમિંસ્ટર એબી ખાતે પ્રિન્સ ફિલિપ માટેની થેંક્સગિવીંગ સર્વિસમાં દેખાયા હતા.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડાઓ અનુસાર, મહારાણી યુકેમાં વસતા 95થી 99 વય જૂથના લગભગ 124,000 લોકોમાંના એક છે, જેમાંથી લગભગ ત્રણ ચતુર્થાંશ મહિલાઓ છે.

21 એપ્રિલએ મહારાણીનો સાચો જન્મ દિવસ છે પણ તેમના જન્મદિવસની સત્તાવાર ઉજવણી જૂન માસના બીજા શનિવારે થાય હોય છે. મહારાણીનો સત્તાવાર જન્મદિવસ દર વર્ષે લશ્કરી પરેડ ટ્રુપિંગ ધ કલર દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષે, પ્લેટિનમ જ્યુબિલી સાથે અનુરૂપ પરેડ ગુરુવાર તા 2 જૂને યોજાશે.