ગુજરાત એપ્રિલના છેલ્લાં સપ્તાહથી કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે. હવામાન વિભાગે અમદાવાદમાં 30 એપ્રિલ અને 1 મેના રોજ ગરમીનો રેડ એલર્ટ જારી કર્યો હતો અને ગરમીનો પારો 45 ડિગ્રી સેલ્શિયસે પહોંચવાની આગાહી કરી હતી. ગાંધીનગર, ખેડા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર,
રવિવાર (1 મે)એ સમગ્ર રાજ્યમાં 44.4 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ ગરમી પડી હતી, જે એક દાયકાનો રેકોર્ડ છે. શહેરમાં રવિવારે સતત ચોથા દિવસે 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું. કંડલા 43.5 ડિગ્રી સાથે બીજા અને રાજકોટ 43 ડિગ્રી સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું. રાજ્યભરમાં લોકો કાળઝાળ ગરમીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ગરમી અને રવિવારની રજા વચ્ચે કરફ્યું જેવો માહોલ જોવા મળ્યો હતો. દિવસના તાપમાનની જેમ હવે રાતનું તાપમાન પણ વધી રહ્યું છે. રાતનું તાપમાન ૨૭.૧ ડિગ્રી રહ્યું હતું.
એપ્રિલમાં અતિશય ગરમી પાછળનું કારણ શું છે તેના જવાબમાં વૈજ્ઞાનિકે જણાવ્યું કે, વિંડ પેટર્ન ચેન્જ થવાને કારણે ગરમીમાં વધારો થઈ રહ્યો છે.અમદાવાદ અને ગાંધીનગરનું ઉષ્ણાતામાન સિઝનમાં પહેલીવાર અનુક્રમે 44.4 અને 44 ડિગ્રીએ પહોંચી જતાં લોકો કાતિલ ગરમીનો અનુભવ કર્યો હતો. સોમવાર (1મે)એ 45 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી હોટ સ્પોટ બન્યું હતું.
ગરમીના પ્રકોપનું મુખ્ય કારણ ઓછો વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માર્ચ અને એપ્રિલમાં કાળઝાળ ગરમીનું મુખ્ય કારણ સતત ઓછો વરસાદ છે. માર્ચમાં ઉત્તરપશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં આશરે 89 ટકા ઓછો વરસાદ પડ્યો હતો, જ્યારે એપ્રિલમાં વરસાદની 83 ટકા ખાધ રહી હતી. નબળા અને સુકા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ ઘટ્યો છે અને ગરમી વધી છે.
ભીષણ ગરમીથી બીમારી વધવાનું જોખમ
દેશમાં ગરમી વધવાની સાથે હીટ સિંકોપ, સ્નાયુઓ ખેંચાવા, થાકથી લઈને હીટ સ્ટ્રોક જેવી બીમારીઓ વધવાનું જોખમ છે. કેટલીક વખત આ બીમારીઓ જીવલેણ પણ બની શકે છે તેમ નિષ્ણાતોનું કહેવું છે. તેમણે હીટવેવને પગલે સનબર્ન અને ફંગલ ઈન્ફેક્શન થવા અંગે ચેતવણી આપી હતી. નિષ્ણાત તબીબોએ જણાવ્યું હતું કે, હીટવેવની આડ અસરના ભાગરૂપે કેટલીક વખત લૂ લાગવાના કારણે બાળકો અને વયસ્કના મોત પણ થઈ શકે છે અથવા કાયમી ન્યૂરોલોજિકલ નુકસાન થઈ શકે છે.
ગરમી વધતા વીજ માગનો વિક્રમ સર્જાયો
ભારતમાં રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યના લોકો અત્યારે વીજળીની અછતનો સામનો કરી રહ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે. આ રાજ્યોનું તાપમાન 40 ડિગ્રીની ઉપર છે અને અનેક જગ્યાઓ માત્ર 7-8 કલાક જ વીજળી મળી રહી છે. બીજી તરફ કહેવાય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર કોલસાની આયાત પર પડી છે. ભારતમાં શુક્રવારે બપોરે 2:50 કલાકે વીજળીની માગ 2, 07, 111 મેગાવોટ સુધી પહોંચી ગઈ હતી જે અત્યાર સુધીનો સૌથી ઉંચો રેકોર્ડ છે. પાવર પ્લાન્ટ્સ પાસે કોલસાના જથ્થામાં થયેલા ઘટાડાના સમાચાર વચ્ચે ભારત સરકારના પ્રધાન પ્રહ્લાદ જોશીએ જણાવ્યું કે, દેશના પ્લાન્ટ્સમાં આશરે 22 મિલિયન ટન કોલસો છે જે 10 દિવસ માટે પૂરતો છે અને તે સતત ભરપાઈ કરવામાં આવશે. ઝારખંડ, હરિયાણા, બિહાર, પંજાબ, મહારાષ્ટ્ર એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં સતત વીજળી ડૂલ થઈ રહી છે. જરૂરી સેવાઓમાં વીજકાપની સંભાવનાને લઈ દિલ્હી સરકાર દ્વારા કેન્દ્રને પત્ર પણ લખવામાં આવ્યો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ સ્થિતિનો સામનો કરવા માટે પગલાં ભરી રહ્યા છે.
ભીષણ ગરમી વચ્ચે કેટલાંક રાજ્યોમાં 10 કલાકનો વીજકાપ
દેશમાં ભીષણ ગરમીને કારણે વીજળીની માગમાં પણ અસાધારણ વધારો થયો છે. જોકે કાલસાની અછતને કારણે દેશમાં ચોથા ભાગના પાવરપ્લાન્ટ બંધ પડ્યા છે. હાલમાં 16 રાજ્યોમાં કેટલાંક વિસ્તારમાં 10 કલાક સુધીનો વીજકાપ ચાલી રહ્યો છે. સરકારી રેકોર્ડ મુજબ દેશભરમાં 10 હજાર મેગાવોટ અથવા 15 કરોડ યુનિટ વીજળીનો કાપ ચાલી રહ્યો છે. જોકે દેશમાં વીજળીની અછત સરકારી આંકડા કરતાં ઘણી વધુ હોવાનું માનવામાં આવે છે.
ભારત-પાકિસ્તાનમાં ગરમી માટે માત્ર ક્લાઇમેટ ચેન્જ જવાબદાર નથીઃ UN
ભારત અને પાકિસ્તાનના મોટાભાગના વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે યુએનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે આ બંને દેશોમાં ગરમીના પ્રકોપ માટે એકમાત્ર ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ઠેરવવાનું વહેલું ગણાશે, પરંતુ તે બદલાતા હવામાન સાથે સુસંગત છે. હવે હીટવેવ ભૂતકાળ કરતાં વહેલી શરૂ થઈ જાય છે. વિશ્વ હવામાન સંગઠન (WMO)એ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન મોટાભાગના વિસ્તારો તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યાં છે અને તેનાથી વિશ્વના સૌથી વધુ ગીચતા ધરાવતા આ વિસ્તારોમાં લાખ્ખો લોકોને અસર થઈ રહી છે. પાકિસ્તાન હવામાન વિભાગે જણાવ્યું હતું કે દિવસનું તાપમાન સામાન્ય કરતાં 5થી 8 ડિગ્રી સેલ્શિયલ ઊંચું રહેવાની ધારણા છે.