ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રહેતા પાકિસ્તાનના કુલ ૧૮૫ શરણાર્થીઓને શુક્રવારે ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. રાજ્યના કચ્છ, મોરબી અને રાજકોટ જિલ્લામાં રહેતા આ શરણાર્થીઓને ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં એક કાર્યક્રમ દરમિયાન ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે લઘુમતી સમુદાયોના આ 185 વ્યક્તિઓને નાગરિકતા (સુધારા) ધારા, 2019 ની જોગવાઈઓ હેઠળ નાગરિકતા આપવામાં આવી હતી.પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ સમુદાયો પર થઈ રહેલા અત્યાચારોનો ઉલ્લેખ કરતા, સંઘવીએ કહ્યું હતું કે આ વિસ્થાપિત લોકોની વેદના કલ્પના બહારની હતી કારણ કે કેટલાકે પોતાના સગા ગુમાવ્યા હતાં જ્યારે કેટલાકે પોતાના ઘરોમાં આગ લગાવ્યા બાદ પાકિસ્તાન છોડી દીધું હતું.
તેમણે નવો નાગરિકતા કાયદો લાવીને આવા વિસ્થાપિત લોકોના જીવ બચાવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો. પ્રધાને જણાવ્યું હતું કે આ ભારતીય નાગરિકોને પણ સરકારી યોજનાઓનો લાભ મળશે અને ગુજરાતમાં તેમની સાથે એક પરિવાર જેવો વ્યવહાર કરાશે અને તેમના બાળકોને પ્રગતિ માટે સમાન તકો મળશે.
