
ગુજરાતમાં પહેલી ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે રવિવાર, 27 જુલાઇએ ગુજરાતના 142થી વધુ તાલુકામાં આશરે 9 ઇંચ સુધીનો તોફાની વરસાદ પડ્યો હતો. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના વડગામમાં માત્ર સાત કલાકમાં 9 ઇંચ ધોધમાર વરસાદ થતાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ઉત્તર ગુજરાત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં શનિવારની મોડી રાતથી 7 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
અમદાવાદ શહેરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં. મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે મીઠાખળીનો અંડરપાસ વાહનોના અવરજવર માટે બંધ કરાયો હતો. અમદાવાદના વટવા વિસ્તારમાં ચાર ઈંચ વરસાદ ખાબકી જતાં ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. લોકોમાં ઘરમાં પણ પાણી ઘૂસ્યાના અહેવાલ સામે આવ્યા હતાં.
દસક્રોઈમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં ઘર, દુકાનો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં. અનેક વાહનો પાણીમાં ફસાઈ હતાં. અમદાવાદના દસક્રોઇમાં 8.70 ઇંચ, ખેડાના મહેમદાવાદમાં 6.22 ઇંચ, કઠલાલમાં 3.86 ઇંચ, નડીયાદમાં 3.74 ઇંચ, માતરમાં 3.50 ઇંચ, અરવલ્લીના ભિલોડામાં 3.39 ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં 3.23 ઇંચ, આણંદના ઉમરેઠમાં 3.03 ઇંચ, અમદાવાદના બાવળામાં 2.83 ઇંચ, પાટણ શહેરમાં 2.80 ઇંચ, બનાસકાંઠાના કાંકરેજમાં 2.80 ઇંચ, ડાંગના વઘઇમાં 2.72 ઇંચ, ખેડાના મહુધામાં 2.68 ઇંચ, ડાંગના સુબીરમાં 2.68 ઇંચ, પાટણના સિદ્ધપુરમાં 2.40 ઇંચ, અમદાવાદના ધોળકામાં 2.40 ઇંચ, વડોદરાના ડેસરમાં 2.32 ઇંચ, નવસારીના વાસંદામાં 2.32 ઇંચ, બનાસકાંઠાના વડગામમાં 2.28 ઇંચ, ખેડાના ગળતેશ્વરમાં 2.28 ઇંચ, ખેડાના વાસોમાં 2.24 ઇંચ, પાટણના સરસ્વતીમાં 2.20 ઇંચ, મહેસાણાના વિસગનગરમાં 2.20 ઇંચ, ખેડામાં 2.13 ઇંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે રવિવારે (27મી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યો હતો.
28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું હતું. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ હતી.
