લોકસભામાં પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર બે દિવસની તીખી ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વના કોઈ પણ દેશે ભારતને આતંકવાદ સામે કાર્યવાહી કરતા અટકાવ્યું ન હતું, દેશને સમગ્ર વિશ્વનો ટેકો મળ્યો હતો, પરંતુ વિપક્ષ કોંગ્રેસ દેશના સૈનિકોની બહાદુરીને ટેકો આપી શકી ન હતી. ભારત દ્વારા ત્રાટકવામાં આવેલા પાકિસ્તાની એરબેઝ હજુ પણ ICUમાં છે અને 22 એપ્રિલના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સની હજુ પણ ઊંઘ હરામ થયેલી છે.
વડાપ્રધાન જણાવ્યું હતું કે દુનિયાના કોઈ પણ દેશે ભારતને આતંકવાદ સામે કોઈપણ કાર્યવાહી કરતા અટકાવ્યું નથી. ફક્ત ત્રણ દેશોએ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનો પક્ષ લીધો હતો. ભારતને આખી દુનિયા તરફથી સમર્થન મળ્યું હતું, પરંતુ એ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસે આપણા સૈનિકોની બહાદુરીનું સમર્થન ન કર્યું. કોંગ્રેસના નેતાઓએ રાજકીય લાભ માટે મને નિશાન બનાવ્યો, પરંતુ તેમના વ્યર્થ નિવેદનોએ આપણા બહાદુર સૈનિકોને નિરાશ કર્યા છે.
પાકિસ્તાનની અણુ બોંબની ધમકીના મુદ્દે વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતે દુનિયાને બતાવ્યું છે કે અમે પરમાણુ બ્લેકમેઇલ સામે ઝૂકીશું નહીં.પાકિસ્તાનને ભારતની કાર્યવાહીનો થોડો અંદાજ હતો અને તેણે પરમાણુ ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ આતંકવાદી સ્થળો પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તે કંઈ કરી શક્યું નહીં. અમારું ઓપરેશન સિંદૂરથી સિંધુ (સિંધુ જળ સંધિ) સુધી ફેલાયેલું છે.પાકિસ્તાન જાણે છે કે તેમને કોઈપણ દુ:સાહસ માટે મોટી કિંમત ચૂકવવી પડશે. આતંકવાદી હુમલાઓ પહેલા કરવામાં આવ્યા હતાં અને હુમલાના માસ્ટરમાઇન્ડ જાણતા હતાં કે કંઈ થશે નહીં, પરંતુ હવે તેઓ જાણે છે કે ભારત તેમનો પીછો કરશે. ભારતમાં બનેલા ડ્રોન અને મિસાઇલોએ લશ્કરી કાર્યવાહી દરમિયાન પાકિસ્તાની શસ્ત્રો અને દારૂગોળાની ક્ષમતાઓનો પર્દાફાશ કર્યો હતો. ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાએ આત્મનિર્ભર ભારતની તાકાત જોઈ. અમે 22 એપ્રિલના પહેલગામ હુમલાનો બદલો લેવા માટે 22 મિનિટમાં પાકિસ્તાનમાં આતંકવાદી સ્થળોનો નાશ કર્યો હતો.
અગાઉના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓએ પહેલગામ આતંકી હુમલા માટે સરકારની ગુપ્તચર નિષ્ફળતા તથા યુદ્ધવિરામના અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અંગે સરકાર પાસે જવાબ માગ્યો હતો.
ઓપરેશન સિંદૂર પરની આશરે 16 કલાક લાંબી મેરેથોન ચર્ચામાં ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને વિદેશપ્રધાન એસ જયશંકરે ભાગ લીધો હતો. યુદ્ધવિરામના ટ્રમ્પના દાવાને ફગાવી દેતા જયશંકરે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરના સમયગાળા દરિયાન ટ્રમ્પ અને વડાપ્રધાન વચ્ચે કોઇ વાતચીત થઈ ન હતી.
