અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં સ્થાનિક વિસ્તારના કુખ્યાત સાથે ‘શૂટઆઉટ એટ વડાલા’ ફિલ્મના ડાયલોગનું શૂટિંગ કરી તેનો વીડિયો વાયરલ કરવા બદલ ત્રણ પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ત્રણ પોલીસ જવાનોમાં હેડ કોન્સ્ટેબલ સિરાજભાઈ રઝાકભાઈ, પોલીસ કોન્સ્ટેબલ એડવિન એલેકઝાંડર અને કેશવભાઈ સ્વરૂપભાઈનો સમાવેશ થાય છે.
પોલીસ અધિકારી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે પોલીસ શિસ્તબદ્ધ ફોર્સ છે. તેનો વ્યવહાર સામાન્ય લોકો સાથે અને પોલીસ મથકમાં તેમને શોભે તેવો જ હોવો જોઇએ. પોલીસ મથકમાં આ આવા વીડિયો બનાવવા અયોગ્ય છે તેથી આ વીડિયો બનાવનાર ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.












