પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો કર્યા પછી સરકારે સોયાબીન અને સનફ્લાવર તેલના ભાવમાં ઘટાડો થાય તેવો એક મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ક્રૂડ સોયાબીન અન સનફ્લાવર તેલની કસ્ટમ ડ્યૂટીને નાબૂદ કરી છે. આ ઉપરાંત તેને અગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ સેસમાં પણ મુક્તિ આપવામાં આવી છે. સરકારનો આ નિર્ણય વાર્ષિક 20 લાખ મેટ્રીક ટન ક્રૂડ સોયબીન અને સનફ્લાવર તેલની આયાતને લાગુ પડશે. સરકારને આ નિર્ણયથી ખાદ્યતેલના ઊંચા ભાવમાં જનતાને રાહત મળવાની ધારણા છે.

કેન્દ્રીય નાણા મંત્રાલયે એક જાહેરનામામાં જણાવ્યું હતું કે ક્રૂડ સોયાબીન તેલ અને સનફ્લાવર તેલ માટે વાર્ષિક 20 લાખ મેટ્રિક ટન ડ્યૂટી ફ્રી આયાત બે નાણાકીય વર્ષ માટે કરી શકાશે. આમ 2022-23 અને 2023-24ના બે નાણાકીય વર્ષમાં કોઇપણ કસ્ટમ ડ્યૂટી વગર આ બંને પેદાશોની આયાત થશે. તેનાથી ઘરેલુ બજારમાં તેના ભાવમાં ઘટાડો થશે.

આ નિર્ણયથી ખાદ્ય તેલના ઘરેલુ ભાવમાં અને ફુગાવામાં ઘટાડો કરવામાં મદદ મળશે. તેનાથી ગ્રાહકોને મોટી રાહત મળશે. તાજેતરના મહિનાઓમાં ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે સરકાર માટે વનસ્પતિ તેલના ભાવમાં અંકુશમાં લેવાનું મુશ્કેલ બન્યું છે. ભારત ખાદ્ય તેલની તેની કુલ જરૂરિયાતમાંથી આશરે 66 ટકા ખાદ્ય તેલની આયાત કરે છે. યુદ્ધને કારણે સનફ્લાવરના સપ્લાયમાં ઘટાડો થતાં સ્થાનિક ભાવને વધુ વેગ મળ્યો હતો.

ઇંધણના વધતાં જતાં ભાવને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકારે ગયા સપ્તાહે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં ધરખમ ઘટાડો કર્યો હતો. આ ઉપરાંત સ્ટીલ અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ થતાં કેટલાંક કાચા માલની ઇમ્પોર્ટ ડ્યૂટીને માફ કરી હતી. સરકારે આયર્ન ઓર અને આયર્ન પેલેટ્સની નિકાસ જકાતમાં વધારો કર્યો હતો. ઇંધણથી લઇને શાકભાજી અને રાંધણ ગેસના જેવી આઇટમના ભાવમાં વધારાને કારણે દેશમાં જથ્થાબંધ ફુગાવો એપ્રિલમાં 15.08 ટકાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. આ ઉપરાંત રિટેલ ફુગાવો પણ 7.79 ટકાના સ્તરે પહોંચ્યો હતો, જે છેલ્લાં આઠ વર્ષમાં સૌથી ઊંચો છે.