A visitor wearing floral design clothing views tulips at Chelsea Flower Show in London, Britain, May 23, 2022. REUTERS/Toby Melville

અદભૂત ગાર્ડન ડિઝાઈન, ખૂબસૂરત ફ્લોરલ ડિસ્પ્લે અને અનંત ખરીદી સાથે વિશ્વનો સૌથી મોટો ફ્લાવર શો RHS ચેલ્સિ ફ્લાવર શો આ વસંતમાં પાછો ફર્યો છે. આ શો તા. 24થી તા.  28 મે 2022 – મંગળવારથી શુક્રવાર રોજ સવારે 8થી રાતના 8 સુધી ખુલ્લો રહેશે. જ્યારે શનિવાર સવારે 8થી સાંજના 5.30 સુધી ખુલ્લો રહેશે.

1804માં સ્થપાયેલ રોયલ હોર્ટિકલ્ચરલ સોસાયટી દ્વારા રોયલ હોસ્પિટલના મેદાનમાં 1913થી RHS ચેલ્સિ ફ્લાવર શો યોજાય છે. તે બગીચાની ડિઝાઇનનું શિખર છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર શો છે. આ શોમાં તમને  બગીચાની અદ્યતન ડિઝાઇન અને નીતનવા છોડ જોવા મળે છે જેને ખરીદીને તમે ઘરે પણ લઈ જઇ શકો છો. આ શો વૈશ્વિક ભીડને આકર્ષે છે અને આંતરરાષ્ટ્રીય બાગકામના દ્રશ્યનું ‘હાઉટ-કાઉચર’ છે.

આ શોમાં જાપાનથી ન્યુ યોર્ક સુધીના શ્રેષ્ઠ ડિઝાઇનરો તેમની આશ્ચર્યજનક રચનાઓ દર્શાવે છે. ફેશન બ્રાન્ડ્સ અને ઉત્પાદકો ટ્રેડ સ્ટેન્ડ પર તેમની નવીનતમ લાઇન લોન્ચ કરે છે. આ શો શેમ્પેઈનની ચૂસકી લેવાનું, શ્રેષ્ઠ ભોજનનો અનુભવ માણવાનું સ્થળ છે.

ચેલ્સિ ફ્લાવર શો બાગાયતી શ્રેષ્ઠતા માટે વિશ્વના સૌથી મોટા પ્રદર્શનોમાંનું એક છે, જે વિશ્વભરના મુલાકાતીઓ અને પ્રદર્શકોને આકર્ષે છે. તેમાં 500થી વધુ પ્રદર્શકો હાજરી આપે છે. તેમાં બગીચા, નર્સરી, ફ્લોરસ્ટ્રી, શૈક્ષણિક પ્રદર્શન અને ટ્રેડ સ્ટેન્ડનો સમાવેશ થાય છે. આ શો વાર્ષિક 168,000 મુલાકાતીઓને આકર્ષે છે. અદભૂત બગીચાઓ અને પ્રેરણાદાયી પ્રદર્શનોથી ભરપૂર શો આ સપ્તાહના અંત સુધીમાં આ શોમાં 140,000 મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે.

RHS ચેલ્સિ ફ્લાવર શો 2022ના મેડલ વિજેતા 38 ગાર્ડન્સની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી હતી. એક વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં બગીચાના ડિઝાઇનરો દ્વારા રજૂ કરાયેલ માહિતી, બાંધકામની ગુણવત્તા, છોડ અને બગીચાના વાતાવરણને ધ્યાનમાં રાખીને વિજેતા થનાર બગીચાઓનો નિર્ણય કરવામાં આવે છે અને તેને ગોલ્ડથી બ્રોન્ઝમાં ક્રમ આપવામાં આવે છે.

આ શો બે વિશ્વ યુદ્ધો અને 2020ના રોગચાળા સિવાય દર વર્ષે યોજાતો આ શો એકવારના બ્રિટનના સૌથી મોટા ફ્લાવર શો RHS હેમ્પટન કોર્ટ પેલેસ ગાર્ડન ફેસ્ટિવલથી પણ આગળ નીકળી ગયો છે. 1932માં શોમાં વરસાદ એટલો તીવ્ર હતો કે સમર હાઉસના પ્રદર્શનના ટુકડા થઈ ગયા હતા જેથી તેને એક પ્રદર્શકે ‘ધ ચેલ્સિ શાવર ફ્લો’ નામ આપ્યું હતું.

શોનું ગ્રેટ પેવેલિયન આશરે 11,775 ચોરસ મીટર અથવા 2.90 એકર જેટલું છે, જે 500 લંડન બસો પાર્ક કરવા માટેની પૂરતી જગ્યા છે. મેકબીન્સ ઓર્કિડ, બ્લેકમોર અને લેંગડોન અને કેલવેઝ પ્લાન્ટ્સ 1913માં યોજાયેલા પ્રથમ શોથી સતત હાજરી પૂરાવે છે અને આજે પણ શોમાં જોઈ શકાય છે. 23 એકરમાં ફેલાયેલો આ શો સૌનું આકર્ષણ બને છે. આ વર્ષના શોમાં, ગ્રાન્ડ માર્કીમાં વર્ષોથી રાણીની મુલાકાતોના ફોટોગ્રાફિક પ્રદર્શનનો સમાવેશ થાય છે.

આ શોમાં બસ, કાર, ટ્રેન દ્વારા પણ આવી શકાય છે. સુગમચતા માટે અગાઉથી ટિકીટ ખરીદવામાં આવે તે આવશ્યક છે.  Address: London Gate, Royal Hospital Road, Royal Hospital Chelsea, London SW3 4SR.