અમૂલ હવે ઓર્ગેનિક ફૂડ બિઝનેસમાં એન્ટ્રી કરવા જઈ રહી છે અને સૌપ્રથમ કંપનીએ ઓર્ગેનિગ ઘઉંનો લોટ બજારમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આગામી સમયમાં તમને અમૂલની દુકાનો પર ઓર્ગેનિક મગની દાળ, તુવેરની દાળ, ચણાની દાળ અને બાસમતી ચોખા પણ જોવા મળશે.

અમૂલ ઓર્ગેનિક ઘઉંના લોટનું ઉત્પાદન શરુ કરવાના પ્રસંગે ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું કે, દેશના ગૃહપ્રધાન અને સહકારીતા પ્રધાન અમિત શાહ દ્વારા અમૂલ કંપનીને સલાહ આપવામાં આવી હતી કે, ઓર્ગેનિક ફૂડ ઉદ્યોગના વિકાસ માટે કામ કરવામાં આવે. અમૂલ ફેડરેશનના મેનેજીંગ ડિરેક્ટર ડોક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું કે, અમૂલ ઓર્ગેનિક લોટ રજૂ કરવાનો હેતુ અમારા ગ્રાહકોને વધારે ટકાઉ અને તંદુરસ્ત જીવનશૈલી તરફ વાળવાનો છે. ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ્સથી શરુરમાં રસાયણોનો પ્રવેશ અટકશે અને આપણે તંદુરસ્ત ભવિષ્ય તરફ આગળ વધી શકીશું. અમૂલ ઓર્ગેનિક લોટ બે સાઈઝમાં ઉપલબ્ધ હશે, એક કિલો અને પાંચ કિલો. ગુજરાત સહિત દિલ્હી એનસીઆર, મુંબઈ અને પૂણેમાં પણ હોમ ડિલિવરી કરવામાં આવશે. એક કિલોના પેકની કિંમત 60 રુપિયા તેમજ પાંચ કિલોના પેકની કિંમત 290 રુપિયા હશે.