આ વર્ષે ભારત સહિત વિશ્વભરમાં આઠમા ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે, જે ‘યોગ ફોર હ્યુમાનિટી’ થીમ અંતર્ગત ઉજવાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહિનાના અંતે તેમના રાષ્ટ્રજોગ સંબોધન કાર્યક્રમ ‘મનકી બાત’માં આ થીમની જાહેરાત કરી હતી. ભારત સરકારના આયુષ પ્રધાન સર્બાનંદ સોનોવાલે આ અંગે તાજેતરમાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ આ વર્ષની ઉજવણી માટે અનુકૂળ એવી ‘યોગ ફોર હ્યુમાનિટી’ થીમની જાહેરાત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘જે રીતે આપણે જાણીએ છીએ કે, યોગથી આપણે ખુશી અને શાંતિ મળે છે અને આપણું આરોગ્ય સારું રહે છે. જે માનવીના અંતરઆત્માને બહારના વિશ્વ સાથે સતત જોડેલું રાખે છે.’
આ વર્ષે યોગ ફોર હ્યુમાનિટીને ધ્યાનમાં રાખીને વિકલાંગ, ટ્રાન્સજેન્ડર, મહિલાઓ અને બાળકો માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોમાં પણ મોટા પ્રમાણમાં લોકો ભાગ લેશે, અને કોમન સર્વિસ સેન્ટરોમાં પણ યોગ અને તેની તાલિમના કાર્યક્રમો યોજાશે.